Site icon Revoi.in

ગુજરાતના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છેઃ રાઘવજી પટેલ

Social Share

ગાંધીનગરઃ ઇન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્શીલેન્સ, ગાંધીનગર ખાતેથી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના અધિકારીઓ માટેની બે દિવસીય વર્કશોપનો શુભારંભ કરાવતા ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’ વિભાવનાને સાર્થક કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ વર્કશોપમાં મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા DRDA ડાયરેક્ટરો સાથે સમીક્ષા બેઠક કરી વિકાસકાર્યોની વિચારણ કરી હતી.

મંત્રીએ DRDAના નિયામકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીના આદર્શ ગામનું સ્વપ્નને સાકાર કરવામાં આપસૌ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેના પરિણામે ‘આત્મા ગામડાનો, સુવિધા શહેરની’ના મંત્રને ગુજરાત સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યું છે. રાજ્યના નાગરિકોની સક્રિય ભાગીદારી, કેન્દ્ર તેમજ રાજય સરકારની વિવિધ યોજનાઓના સહકારથી ગુજરાતના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છે. મંત્રીએ અધિકારીઓને જણાવતા કહ્યું હતું કે, વધુ સારી કામગીરી કરવાથી નવી રોજગારીની તકો ઉભી થશે તેમજ આ વિભાગની યોજનાઓ થકી નાગરિકોને ગામડાઓ વધુ સુવિધા મળશે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5.61 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરી રાજ્યના નાગરિકોને પોતાનું સપનાનું ઘર આપ્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે 1.44 લાખથી વધુ PM આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રથમ તબક્કાની સહાયની ચૂકવણી DBTના માધ્યમથી કરવામાં આવી છે. આ ઉપરાંત ગામડાઓની અર્થતંત્રને વધુ મજબુત કરવા આંતરમાળખાકીય સુવિધા સહિત જળ વયવસ્થાપન, સ્વચ્છતા, ડ્રીપ ઇરિગેશન, ગામના આરસીસીના રસ્તા, ઘરેઘરે શૌચાલય જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે ઉમેર્યું હતું કે, રાજ્યની બહેનોને આર્થિકરીતે પગભર તેમજ આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલી બનાવી તેનો લાભ પહોચાડવા રાજ્ય સરકાર હર હંમેશ કટિબદ્ધ છે. જ્યારે ‘કેચ ધ રેન’ અભિયાન થકી ખેતી કરતા ખેડૂતોને સિંચાઈમાં વધુ સુવિધા ઉમેરાશે, તેવો મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત મંત્રીએ સારી કામગીરી કરતા તમામ જિલ્લાઓને બિરદાવ્યા અને વધુ સારી કામગીરી કરવા સૌ અધિકારીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપ્યું હતું.