Site icon Revoi.in

હર્ષ સંઘવીએ સોમનાથમાં બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો કરાવ્યો પ્રારંભ

Social Share

જૂનાગઢઃ સોમનાથ મંદિર નજીક ચોપાટીમાં મારૂતિ બીચ પર રાજ્યમાં પ્રથમવાર યોજાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ શુભારંભ કરાવ્યો છે. અહીં તા.18 માર્ચથી 21 માર્ચ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓને મોટું પ્લેટફોર્મ મળી રહેશે. ફેસ્ટિવલનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો, આતશબાજી અને રંગબેરંગી ફૂગ્ગાઓ સાથે થયો હતો.

દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ બની રહેશે

ખેલ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ ફેસ્ટિવલ ગુજરાતના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ બની રહેશે. તેમણે ઉમેર્યું કે ભવિષ્યમાં વધુ સુવિધાઓ ઊભી કરીને દેશભરના ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ વાલીઓને બાળકો પર માર્ક્સનું દબાણ ન કરવા અપીલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓને પણ વાલીઓના બલિદાનની કદર કરવાનું કહ્યું છે. તેમણે ખેલાડીઓ સાથે વોલીબોલ રમીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જોકે બીચ સ્પોર્ટ્સ ફૅસ્ટિવલ દ્વારા ગુજરાતના 1,600 કિલોમીટરના દરિયાકિનારાના ગામોના યુવા ખેલાડીઓ માટે મોટું પ્લેટફોર્મ મળી રહેવાનું છે.

આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે

આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલના શુભારંભથી ગુજરાતના સ્પોર્ટ્સ જગતમાં એક નવો આયામ ઉમેરાયો છે, બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ભગવાન સોમનાથના સાન્નિધ્યમાં યોજાઈ રહ્યો છે. ત્યારે ભગવાન સોમનાથની શક્તિ સાથે ખેલાડીઓની શક્તિનો સુભગ સમન્વય ચોક્કસ ઉત્તમ પરિણામો આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સમુદ્રની લહેરો સાથે રમતોનો ઉલ્લાસની ટેગલાઈન સાથે ઉજવાઈ રહેલા બીચ સ્પોર્ટ્સ દ્વારા યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવા માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આ બીચ સ્પોર્ટ્સ સ્પર્ધામાં 2500 થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.

અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં રમતવીરો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા

આગામી સમયમાં વધુ સુવિધાઓ ઊભી કરવા સાથે દેશભરના ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લે એ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવશે. આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા યુવાનોને રમત-ગમત ક્ષેત્રે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. જેનાથી યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળશે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની, ધારાસભ્યો ઉદય કાનગડ, સંજય કોરડિયા, સ્પોર્ટ્સ ઓથોરિટીના સચિવ ઈન્દ્રજીતસિંહ વાળા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં રમતવીરો તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version