
ચાઈનીઝ દોરીના ઓનલાઈન વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફિકેશન જાહેર કરવા હાઈકોર્ટનો સરકારને નિર્દેશ
અમદાવાદઃ આવતીકાલે શનિવારે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. બીજી તરફ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરવા હોવાની ફરિયાદો ઉઠી છે. હાઈકોર્ટની ટકોર બાદ રાજ્યમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વિચાણ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમજ રાજ્યભરમાં દરોડા પાડીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યની વડીઅદાલતે ચાઈનીઝ દોરીના મામલે સરકારની કાર્યવાહીથી સંતોષ માન્યો હતો. એટલું જ નહીં ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતુ નોટિફીકેશન જાહેર કરવા સુચન કર્યું છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરાયણ પહેલા જ સુરત અને વડોદરામાં બે યુવાનોના ચાઈનીઝ દોરીથી ગળુ કપાઈ જવાથી મોત થયું હતું. એટલું જ નહીં ચાઈનીઝ દોરી જીમલેણ સાબિત થઈ રહી છે અને અનેક વ્યક્તિઓ તેનો ભોગ બન્યાં છે. રાજ્યમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતા તેનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. દરમિયાન સમગ્ર મામલો રાજ્યની વડી અદાલતમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે સરકારે ચાઈનીઝ દોરીના પ્રતિબંધના અમલીકરણ અંગે જવાબ રજુ કરવા આદેશ કર્યો હતો. દરમિયાન આજે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં એક્શનટેકન રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટ જોઈને હાઈકોર્ટે કહ્યું હતું કે, ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુ મામલે સરકાર દ્વારા જાગૃતિના અસરકારક પગલા લેવામાં આવ્યાં છે, તેમજ સરકાર દ્વારા પ્રતિબંધ મામલે જરૂરી અને યોગ્ય પગલા લેવામાં આવ્યાં છે.