Homeગુજરાતીદેશ-વિદેશદિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય મંત્રીએ બોલાવી હાઈ-લેવલ મીટિંગ

દિલ્હીમાં સ્વાઇન ફ્લૂના કેસ વધતા આરોગ્ય મંત્રીએ બોલાવી હાઈ-લેવલ મીટિંગ

નવી દિલ્હી, 25 ઓગસ્ટ 2026: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સ્વાઇન ફ્લૂ (H1N1 વાયરસ) ના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ચાલુ વર્ષે દિલ્હીમાં ઇન્ફ્લુએન્ઝા-એ ના કુલ 2300થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાં શુક્રવાર સુધીના આંકડા મુજબ એકલા H1N1 ના જ 1777થી વધુ કેસોનો સમાવેશ થાય છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં દિલ્હી સરકાર હરકતમાં આવી ગઈ છે અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર, માત્ર ગુરુવારના એક જ દિવસમાં H1N1 ના 114 નવા દર્દીઓ નોંધાયા હતા. આ બેકાબૂ થતી સ્થિતિને કાબૂમાં લેવા માટે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. પંકજ સિંહ દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવવામાં આવી છે, જેમાં વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને રોગચાળાને અટકાવવા અને નિયંત્રણમાં લાવવા માટેના ઉપાયો અંગે વિસ્તૃત ચર્ચા ચાલી રહી છે.

દિલ્હી સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં બેડ, ડૉક્ટરો, જીવનરક્ષક દવાઓ અને મેડિકલ સાધનો ઉપલબ્ધ છે. સુરક્ષા અને સારવારના ભાગરૂપે દિલ્હીની 35 જેટલી હોસ્પિટલો પર વિશેષ નજર રાખવામાં આવી રહી છે. સરકાર આ સમગ્ર સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે જેથી દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે.

સ્વાઇન ફ્લૂના કેસ વધતા દિલ્હી સરકારે નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, વ્યક્તિગત સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું, ભીડભાડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું, ખાંસતી કે છીંકતી વખતે હંમેશાં રૂમાલ કે મોં-નાક ઢાંકીને રાખવું, સમયાંતરે સાબુથી હાથ ધોવા અને જરૂરિયાત જણાય ત્યારે માસ્કનો અચૂક ઉપયોગ કરવો.

  • દિલ્હી-એનસીઆરમાં કરાયો સર્વે

દિલ્હીમાં ઇન્ફ્લુએન્ઝા-એ ના આશરે 2392 જેટલા કેસ નોંધાયાં છે. એક તરફ H1N1 ના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય વાયરલ ફીવર અને શરદી-ઉધરસના દર્દીઓની સંખ્યા પણ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં દિલ્હી અને એનસીઆર (NCR) વિસ્તારમાં કરવામાં આવેલા એક મોટા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ‘લોકલસર્કીલ્સ’ દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં 32643 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સર્વેના રિપોર્ટ મુજબ, દિલ્હી-એનસીઆરના 54 ટકા ઘરોમાં ઓછામાં ઓછો એક વ્યક્તિ તાવ, ખાંસી, ગળામાં ખરાશ, વહેતું નાક અથવા શારીરિક દુખાવા જેવા વાયરલ ફ્લૂના લક્ષણોથી પીડિત છે. આશ્ચર્યજનક રીતે, 23 ટકા ઘરો એવા છે જ્યાં ચાર કે તેથી વધુ સભ્યો એકસાથે આ લક્ષણોથી પરેશાન છે.

સર્વેમાં 46 ટકા લોકોએ જણાવ્યું કે તેમના પરિવારમાં કોઈને પણ આવા લક્ષણો નથી, જ્યારે 15 ટકા ઘરોમાં એક વ્યક્તિ અને 16 ટકા ઘરોમાં 2 થી 3 લોકો પ્રભાવિત છે. આ પ્રકારે કુલ 39 ટકા ઘરોમાં બે કે તેથી વધુ સભ્યો એક જ સમયે બીમાર જોવા મળ્યા છે. વિશેષજ્ઞોના મતે H1N1, કોવિડ, ડેન્ગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા અને સામાન્ય વાયરલ તાવના પ્રારંભિક લક્ષણો (જેવા કે તાવ, ખાંસી, માથાનો દુખાવો, ઠંડી લાગવી અને નબળાઈ) એકબીજા સાથે મળતા આવતા હોય છે, તેથી સમયસર તપાસ અને સાવચેતી રાખવી ખૂબ જ અનિવાર્ય છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular