પ્રયાગરાજ, 25 ઓગસ્ટ 2026: શૈક્ષણિક સંસ્થાઓમાં શિસ્ત અને એકરૂપતા જાળવવાના મામલે ઇલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ અને સ્પષ્ટ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્કૂલમાં યુનિફોર્મ સાથે હિજાબ (હેડ સ્કારફ) પહેરીને પ્રવેશ મેળવવાની માંગ કરતી એક અરજીને ફગાવી દીધી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, હિજાબ ધારણ કરવો એ ઇસ્લામિક આસ્થાનો કોઈ અનિવાર્ય હિસ્સો નથી, જેના વગર વ્યક્તિ પોતાના ધર્મથી બહાર થઈ જાય. ન્યાયમૂર્તિ જે.જે. મુનીર અને ન્યાયમૂર્તિ ઇન્દ્રજીત શુક્લાની ખંડપીઠે આ મહત્ત્વપૂર્ણ આદેશ આપતા જણાવ્યું કે, જ્યાં સુધી શૈક્ષણિક સંસ્થાની યુનિફોર્મ નીતિ નિષ્પક્ષ, ભેદભાવ વિનાની અને શિસ્ત જાળવવાના ઉદ્દેશ્યથી લાગુ કરાઈ હોય, ત્યાં સુધી સંસ્થાના ડ્રેસ કોડનું પાલન કરવું દરેક વિદ્યાર્થી માટે અનિવાર્ય છે.
પ્રયાગરાજ સ્થિત અતરસુઈયા વિસ્તારની એક સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. વિદ્યાર્થિનીનું કહેવું હતું કે તે ધોરણ 6 થી 10 સુધી આ જ સ્કૂલમાં હિજાબ પહેરીને અભ્યાસ કરતી આવી છે, તેથી તેને આગળના ધોરણોમાં પણ આ છૂટ મળવી જોઈએ. અરજદારના વકીલે કોર્ટમાં રજુઆત કરી હતી કે, સ્કૂલમાં હિજાબ પહેરવો એ વિદ્યાર્થિનીના ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર, પ્રાઈવિસી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના બંધારણીય અધિકાર હેઠળ સુરક્ષિત છે. બીજી તરફ સ્કૂલ અને પ્રતિવાદીઓના વકીલોએ દલીલ કરી હતી કે, કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં ડ્રેસ કે યુનિફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ વચ્ચે સમાનતા અને એકરૂપતા લાવવાનો છે. આમાં કોઈપણ પ્રકારે ધર્મનું પાલન કરવા, પ્રચાર કરવા કે ધર્મ માનવાની સ્વતંત્રતાના મૂળભૂત અધિકારના ઉલ્લંઘન જેવું કોઈ તત્વ સામેલ નથી. વિદ્યાર્થીઓએ શાળાના આંતરિક શિસ્ત અને નિયમોનું પાલન કરવું જ પડે.
-
અગાઉ છૂટ મળી હોય તો તે કાયમી અધિકાર નથી: કોર્ટ
ખંડપીઠે સુનાવણીના અંતે નોંધ્યું હતું કે જો અગાઉ શાળા પ્રશાસને સૌહાર્દ કે અન્ય કોઈ કારણોસર હિજાબ પહેરવા સામે રોકટોક ન કરી હોય, તો તેનો અર્થ એવો નથી કે તે વિદ્યાર્થિનીનો કોઈ કાયમી કે કાનૂની અધિકાર બની ગયો છે. અગાઉની અદાલતો અને વિવિધ હાઈકોર્ટોના ચુકાદાઓનો સંદર્ભ ટાંકીને કોર્ટે જણાવ્યું કે રેકોર્ડ પર એવો કોઈ સંતોષકારક પુરાવો નથી જે સાબિત કરી શકે કે ક્લાસરૂમની અંદર હિજાબ પહેરવો એ મુસ્લિમ મહિલા માટે ધર્મનો એટલો અનિવાર્ય હિસ્સો છે કે તેના વગર ધર્મનું પાલન અસંભવ બને. આવા નક્કર પુરાવાઓ અને તથ્યોના અભાવે અરજદારના પક્ષમાં નિર્ણય આપી શકાય નહીં.
-
ધર્મ-નિરપેક્ષ અને સુરક્ષિત વાતાવરણ જરૂરી
કોર્ટે પોતાના ચુકાદામાં ભારપૂર્વક જણાવ્યું કે શૈક્ષણિક સંસ્થાઓમાં એક સરખો યુનિફોર્મ લાગુ કરવા પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચેના સામાજિક, આર્થિક અને ધાર્મિક ભેદભાવોને મિટાવીને એક ધર્મ-નિરપેક્ષ, સુરક્ષિત અને શિસ્તબદ્ધ શૈક્ષણિક માહોલ ઊભો કરવાનો છે. જો વ્યક્તિગત પસંદગીઓને આધારે યુનિફોર્મમાં મનસ્વી ફેરફારો કરવાની છૂટ આપવામાં આવે, તો સ્કૂલ ડ્રેસ કોડનો મૂળ હેતુ જ નાશ પામશે.


