Site icon Revoi.in

ગુજરાતમાં 30મી મે સુધી ભારે વરસાદની આગાહી, વાવાઝોડુ પણ ફુંકાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં ભર ઉનાળે કેટલાક વિસ્તારોમાં અષાઢી માહોલ સર્જાયો છે. આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન 37 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરી છે. 25થી 28 મે દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદ અને મેઘગર્જનને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે, સાથે જ 40થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.  દરિયામાં કરંટ હોવાથી મોજા ઊછળી રહ્યાં છે. તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્રના બંદરો પર  એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.

રાજ્યના હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.  ગીર-સોમનાથ, દીવ, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અનેં દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં વેલ માર્ક લો પ્રેશર એરિયા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. ડિપ્રેશનના કારણે દરિયાકાંઠના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

હવામાન વિભાગની સંભવિત વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર સતર્ક થયું છે. ભાવનગર જિલ્લાના ઘોઘા બંદર, અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ અને મહુવા બંદર પર 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાવચેતીના ભાગ રૂપે જિલ્લાના તમામ બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. જીએમબી એ ભાવનગરના તમામ બંદરો પર સિગ્નલો લગાવામાં સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમ મેઘગર્જના અને ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર-મધ્ય ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

કેરળમાં શનિવારથી વિધિવત્ ચોમાસું બેઠું છે. સામાન્ય રીતે 1 જૂને કેરળમાં ચોમાસું બેસતું હોય છે. વેલ માર્ક લો પ્રેશર આજે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. ડિપ્રેશન હાલ મહારાષ્ટ્ર રત્નાગિરિથી 40 કિમી દૂર સક્રિય છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બે દિવસ ઉત્તર અને મધ્ય ગુજરાત અને કચ્છમાં ગાજવીજ સાથે છૂટાછવાયાં સ્થળે વરસાદ વરસી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 27થી 28 મેના રોજ કચ્છમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્ર અને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 24થી 28 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં છૂટાછવાયાં સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે. 29થી 30મી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જાણીતા હવામાનકાર અંબાલાલ પટેલના કહેવા મુજબ હાલમાં વાવાઝોડું નબળું પડ્યું છે. આજથી અરબી સમુદ્રમાં કોંકણ પાસે લો પ્રેશર બનવાની શરૂઆત થશે. 24થી 27 મે સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં આંધી-વંટોળ અને વરસાદ પણ રહેશે. 28 મેથી જૂનની શરૂઆત સુધી ગુજરાતના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડશે. કાચાં મકાનોનાં છાપરાં ઊડી જાય એવો પવનો ફૂંકાશે. રાજ્યમાં પવનની ગતિ વધારે રહેશે, જેના કારણે ચોમાસા પાક પર ગંભીર અસર થઈ શકે છે.