Site icon Revoi.in

હાઈકોર્ટ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં ફેરફાર કરાયો

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં એડવોકેટ સહિત તમામ પક્ષકારોએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચાર મુજબ વર્તવુ પડશે, આ માટે હાઈકોર્ટ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે. વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાનારી વ્યક્તિ જો SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. પક્ષકારો મોબાઇલ દ્વારા લાઇવ કાર્યવાહીમાં જોડાશે તો તેઓ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જે-તે જગ્યા છોડીને બીજે ક્યાંય ફરશે નહીં.

ગુજરાત હાઇકોર્ટમાં ચાલતા કેસની સુનાવણીમાં વર્ચ્યુઅલ મોડથી જોડાતાં  એક પક્ષકાર અને સિનિયર એડવોકેટના અશોભનીય વર્તનની ઘટના હજુ તાજી છે ત્યારે હાઇકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર-SOPમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જેમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, વીડિયો કોન્ફરન્સિંગથી વર્ચ્યુઅલ સુનાવણીમાં જોડાનારી વ્યક્તિ જો SOPનો ભંગ કરશે તો તેને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ફક્ત એટલું જ નહીં ઓનલાઈન મોડ દ્વારા કોર્ટ કાર્યવાહીમાં જોડાવા માંગતા તમામ સહભાગીઓ માટે વેઇટિંગ રૂમ પણ રાખવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફેરફાર કરાયેલી SOPમાં જણાવવામાં આવ્યું છે કે, સહભાગીઓએ કોર્ટની ગરીમા અને શિષ્ટાચારને અનુરૂપ વર્તન કરવું જોઈએ. શિસ્તબદ્ધ વર્તન દર્શાવવું જોઈએ અને યોગ્ય અને ઉચિત સ્થળેથી ઓનલાઈન કાર્યવાહીમાં હાજરી આપવી જોઇએ નહીં કે વાહનમાંથી. હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં હાઇકોર્ટના 30મી જૂનના આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કોર્ટની ઓનલાઈન કાર્યવાહી દરમિયાન ટોયલેટની સીટ પર બેઠેલી એક વ્યક્તિ સામે સુઓમોટો અવમાનના કેસ શરૂ કરતી વખતે આપવામાં આવ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટે તેના આદેશમાં રજિસ્ટ્રાર, ઇન્ફર્મેશન ટેકનોલોજીને લાઇવ-સ્ટ્રીમિંગ કાર્યવાહીમાં ભાગ લેતા કોર્ટની કન્ટેમ્પ્ટ જેવા વર્તન કરતાં અરજદારોને રોકવા માટેની પદ્ધતિ વિશે માહિતી આપવા જણાવ્યું હતું અને અવલોકન કર્યું હતું કે આવા અનિયંત્રિત વર્તન વારંવાર બની રહ્યા છે. આ પરિપત્રમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં કોર્ટના મહિમા અને શિષ્ટાચારને અનુરૂપ જે-તે વ્યક્તિ, એડવોકેટ વગેરેને પોતાને રજૂ કરવાના રહેશે અને શિસ્તબદ્ધ વર્તન કરવાનું રહેશે. યોગ્ય વાતાવરણ ધરાવતી જગ્યાએથી પોતાની હાજરી દર્શાવવી પડશે, જે કોર્ટની ગરિમા અને શિષ્ટાચારને ઠેસ પહોંચાડે નહીં અને જો તેઓ મોબાઇલ દ્વારા લાઇવ કાર્યવાહીમાં જોડાશે તો તેઓ વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન જે-તે જગ્યા છોડીને બીજે ક્યાંય ફરશે નહીં.