હિન્દુ ધર્મ માત્ર પુજા પદ્ધતિ પુરતો મર્યાદિત નથી પરંતુ જીવન જીવવાની એક રીત છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 13 મે 2026: સુપ્રીમ કોર્ટની નવ જજોની બહુચર્ચિત બંધારણીય બેન્ચે હિન્દુ ધર્મ અને આસ્થાના વિષય પર એક ઐતિહાસિક અને ગહન ટિપ્પણી કરી છે. બુધવારે સબરીમાલા મંદિર અને અન્ય ધાર્મિક પરંપરાઓ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ કર્યું કે, હિન્દુ ધર્મ માત્ર પૂજા પદ્ધતિ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ‘જીવન જીવવાની એક રીત’ છે.
મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે અવલોકન કર્યું કે, કોઈ પણ વ્યક્તિને હિન્દુ કહેવા માટે તેણે મંદિર જવું કે ખાસ પ્રકારના ધાર્મિક અનુષ્ઠાનો કરવા અનિવાર્ય નથી. જસ્ટિસ સૂર્યકાંતે ટિપ્પણી કરતા કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ પોતાની ઝૂંપડીમાં બેસીને માત્ર એક દીવો પ્રગટાવે છે, તો તે તેની શ્રદ્ધા અને ધર્મને સાબિત કરવા માટે પૂરતું છે.”*
સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ડો. જી. મોહન ગોપાલે જ્યારે 1966ના એક જૂના ચુકાદાનો હવાલો આપી વેદોની સર્વોપરિતા વિશે પ્રશ્ન ઉઠાવ્યો, ત્યારે જસ્ટિસ બી.વી. નાગરત્નાએ જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, હિન્દુ ધર્મની વ્યાપકતા એટલી છે કે તેને માત્ર વિધિ-વિધાનોમાં બાંધી શકાય નહીં. દરેક વ્યક્તિ પોતાની આસ્થા પોતાની રીતે વ્યક્ત કરવા માટે સ્વતંત્ર છે અને કોઈને પણ તેમાં અવરોધ ઊભો કરવાનો અધિકાર નથી.
ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર 2018માં સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવીને સબરીમાલા મંદિરમાં 10 થી 50 વર્ષની વયની મહિલાઓના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવ્યો હતો. આ નિર્ણયની સમીક્ષા તેમજ ધાર્મિક સ્વતંત્રતા અને સમાનતા સાથે જોડાયેલા વ્યાપક મુદ્દાઓ પર હાલમાં 9 જજોની બેન્ચ સુનાવણી કરી રહી છે.
આ અરજીની સુનાવણીમાં CJI સૂર્યકાંત સિવાય આ બેન્ચમાં જસ્ટિસ બી.વી. નાગરત્ન, એમ.એમ. સુંદરેશ, અહસાનુદ્દીન અમાનુલ્લાહ, અરવિંદ કુમાર, ઓગસ્ટિન જ્યોર્જ મસીહ, પ્રસન્ના બી. વરાલે, આર. મહાદેવન અને જોયમાલ્યા બાગચીનો સમાવેશ થાય છે. કોર્ટે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જો દરેક ધાર્મિક પ્રથાને અદાલતમાં પડકારવામાં આવશે, તો સેંકડો અરજીઓનો ખડકલો થશે અને તેનાથી ધાર્મિક માળખું જોખમાઈ શકે છે. કોર્ટ અત્યારે એ બાબતની તપાસ કરી રહી છે કે ધાર્મિક સ્વતંત્રતાના અધિકાર અને સમાનતાના અધિકાર વચ્ચે કેવી રીતે સંતુલન જાળવી શકાય.


