1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વાઘોડિયામાં ભર બજારે વેપારી પર હુમલો કરીને 40 ગ્રામ સોનું અને 50 હજારની લૂંટ
વાઘોડિયામાં ભર બજારે વેપારી પર હુમલો કરીને 40 ગ્રામ સોનું અને 50 હજારની લૂંટ

વાઘોડિયામાં ભર બજારે વેપારી પર હુમલો કરીને 40 ગ્રામ સોનું અને 50 હજારની લૂંટ

0
Social Share

વડોદરા, 13 મે 2026 : 40 grams of gold and 50 thousand rupees looted જિલ્લાના વાઘોડિયામાં ભરબજારમાં ફિલ્મી ઢબે લૂંટનો બનાવ બન્યો છે. ડીસી જવેલર્સ નામે સોના-ચાંદી અને ધીરધારનો વ્યવસાય કરતા વેપારી જીગ્નેશભાઈ પર ત્રણ બુકાનીધારી શખસોએ જીવલેણ હુમલો કરી અંદાજિત 40 ગ્રામ સોનું અને 50,000  રોકડ ભરેલી બેગની લૂંટ ચલાવી લૂંટારૂ શખસો પલાયન થઈ ગયા હતા.

આ બનાવની વિગત એવી છે કે, વાઘોડિયામાં સાના-ચાંદીના વેપારી જીગ્નેશભાઈ રાબેતા મુજબ રાતે પોતાની દુકાન બંધ કરીને નારાયણ નગર સોસાયટીમાં પોતાના ઘરે જઈ રહ્યા હતા. તેઓ જ્યારે સોસાયટીના નાકે પહોંચ્યા, ત્યાં અગાઉથી જ લૂંટારુઓ તેઓની રાહ જોઈ રહ્યા હોય તેમ એક બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બુકાનીધારી લૂંટારાઓએ વેપારીને  આંતર્યા હતા. જીગ્નેશભાઈ કંઈ સમજે તે પહેલા લૂંટારુઓએ જીગ્નેશભાઈના માથાના ભાગે લાકડાના ફટકા વડે ઉપરા-છાપરી હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં જીગ્નેશભાઈ નીચે પટકાતા લૂંટારુઓ તેમની પાસે રહેલી કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગ ઝૂંટવીને પૂરપાટ ઝડપે નાસી છૂટ્યા હતા.

વાઘોડિયા પોલીસ મથકના પી.આઈ. ગોહિલે જણાવ્યું કે, જીગ્નેશ સોની રાતે 8 વાગ્યાની આસપાસ દુકાન બંધ કરીને ઘરે આવી રહ્યા હતાં, દરમિયાન તેઓની સોસાયટીની બહાર જ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. લૂંટ ચલાવીને ભાગી રહેલા ઈસમો બાઈક લઈને ભાગવા જતા હતા, દરમિયાન તેમની બાઈક રસ્તા પર સ્લીપ થઇ ગઈ હતી અને ત્રણેય લૂંટારુઓ જમીન પર પટકાયા હતા. જો કે પકડાઈ જવાની બીકે લૂંટારુઓ એક બાઈક ઘટનાસ્થળે જ પડતી મૂકીને જ નાસી છૂટ્યા હતા. લૂંટારૂ શખસો બે બાઈક પર આવ્યા હતા. અંદાજે ચાર જેટલા લૂંટારુ હોવાની સંભાવના છે. હાલમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે. લૂંટારુઓ જે બાઈક મૂકીને ભાગ્યા છે તે મધ્યપ્રદેશ પાસિંગની છે. ઇજાગ્રસ્ત જીગ્નેશભાઈ સોની હાલ સારવાર હેઠળ છે. લૂંટની ગંભીરતાને જોતા વાઘોડિયા પોલીસ, એલસીબી, અને એસઓજીની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટારુઓની બાઈક કબજે કરી છે અને બાઈકના નંબર તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code