Site icon Revoi.in

રાજકોટ-ગોંડલ હાઈવે પર હીટ એન્ડ રન, ટુ વ્હીલર પર જતાં સાસુ-વહુના મોત

Social Share

રાજકોટઃ નેશનલ હાઈવે પર હીટ એન્ડ રનના બનાવો વધતા જાય છે. ત્યારે રાજકોટ-ગોંડલ હાઈવે પર કોરાટ ચોક નજીક ટ્રકે બે સ્કૂટરને ટક્કર મારતા સ્કૂટરસવાર સાસુ વહુના મોત નિપજ્યા હતા. જ્યારે પિતા-પૂત્રને ઈજાઓ થઈ હતી. ટ્રક ચાલકે પૂરઝડપે ટ્રક ચલાવી ટુ-વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાના નામ ગોંડલના જ્યોતિબેન મનોજભાઈ બાવનીયા અને પુત્રવધૂ જાહ્નવીબેન બાવનીયા હોવાનું જાણવા મળ્યું છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે,  રાજકોટ-ગોંડલ હાઇવે પર વધુ એક હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ગોંડલ ખાતે રહેતા બાવનિયા પરિવારની બે મહિલાનાં મોત નીપજ્યાં હતા. રવિવારે  બાવનિયા પરિવાર રાજકોટ ખાતે સંબંધીના ઘરે જનોઈ પ્રસંગમાં હાજરી આપી પરત પોતાના ઘેર ગોંડલ જઈ રહ્યો હતો. ત્યારે રાત્રિના 1 વાગ્યા આસપાસ મનોજભાઈ બાવનિયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનિયા પોતપોતાની પત્ની સાથે ટૂ-વ્હીલર ઉપર જઈ રહ્યા હતાં. દરમિયાન કોરાટ ચોક પાસે ટ્રકચાલકે બન્ને વાહનચાલક પિતા-પુત્રને પાછળથી અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં જ્યોતિબેન મનોજભાઈ બાવનિયા (ઉં.વ.49) તેમજ તેમની પુત્રવધૂ જાનવી વ્યોમભાઈ બાવનિયા (ઉં.વ.23)નું મોત નીપજ્યું હતુ. જ્યારે અકસ્માતમાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજા પહોંચતાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ અંગે રઘુવીરભાઈ નિરંજનીએ જણાવ્યું હતું કે મારા સાઢુભાઈના ઘરે જનોઈ પ્રસંગ હતો. પ્રસંગ પૂર્ણ કરી મારા બીજા નંબરના સાઢુભાઈ જે ગોંડલ રહે છે તેઓ ગોંડલ જવા માટે નીકળ્યા હતા. ગોંડલ હાઇવે પર કોરાટ ચોક પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં હતા, ત્યારે પાછળથી એક ટ્રક આવી હતી, જે બન્નેને કચડીને જતી રહી હતી. બનાવ હિટ એન્ડ રનનો હોવા છતાં શાપર પોલીસ અમારી હિટ એન્ડ રનની ફરિયાદ નોંધતી નથી. અમારી રજૂઆત સાંભળતી નથી. પોલીસ હિટ એન્ડ રનની ફરિયાદ નહિ નોંધે તો અમે મૃતદેહ નહિ સ્વીકારીએ.

Exit mobile version