1. Home
  2. ગુજરાતી
  3. હોર્મુઝ કટોકટી: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અપીલ છતાં જાપાનનો યુદ્ધજહાજ મોકલવાનો ઇનકાર
હોર્મુઝ કટોકટી: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અપીલ છતાં જાપાનનો યુદ્ધજહાજ મોકલવાનો ઇનકાર

હોર્મુઝ કટોકટી: અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની અપીલ છતાં જાપાનનો યુદ્ધજહાજ મોકલવાનો ઇનકાર

0
Social Share

ટોક્યો, 16 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા સૈન્ય સંઘર્ષ વચ્ચે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ ‘હોર્મુઝની સામુદ્રધુની’પર યુદ્ધના વાદળો ઘેરાયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ વિસ્તારમાં સુરક્ષા માટે સાથી દેશોના યુદ્ધજહાજો તૈનાત કરવાની અપીલ કરવામાં આવી હતી, જેને જાપાને હાલમાં ફગાવી દીધી છે. જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચીએ સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે ટોક્યો પાસે હાલમાં આ જળમાર્ગમાં પોતાના નૌસેના જહાજો મોકલવાની કોઈ યોજના નથી.

વડાપ્રધાન તાકાઇચીએ સંસદમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, “અમે હજુ સુધી એવો કોઈ નિર્ણય લીધો નથી કે અમે જહાજો તૈનાત કરીશું કે નહીં. અમે હાલ એ તપાસી રહ્યા છીએ કે જાપાન સ્વતંત્ર રીતે શું કરી શકે છે અને અમારા કાયદાકીય માળખામાં રહીને શું શક્ય છે.” જાપાનનું આ વલણ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે એક આંચકા સમાન માનવામાં આવે છે, કારણ કે અમેરિકા ઈચ્છે છે કે જાપાન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને બ્રિટન જેવા દેશો આ લશ્કરી અભિયાનમાં જોડાય.

મીડિયા અહેવાલો અનુસાર, અમેરિકા એક ‘નેવલ કોએલિશન’બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનો મુખ્ય હેતુ હોર્મુઝમાંથી પસાર થતા તેલ ટેન્કરોને સુરક્ષા પૂરી પાડવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આગામી થોડા દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ખાસ કરીને આગામી 72 કલાક આ મામલે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. જો અમેરિકા આ પગલું ભરશે, તો ઈરાન અને અમેરિકા વચ્ચે સમુદ્રી અથડામણ વધવાનું જોખમ છે.

દુનિયાના કુલ તેલ વેપાર માટે હોર્મુઝની સામુદ્રધુની કરોડરજ્જુ સમાન છે. વિશ્વના આશરે 20 ટકા કાચા તેલ (ક્રૂડ ઓઈલ)નો પુરવઠો આ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. મધ્ય પૂર્વના દેશો (અખાતી દેશો) આ માર્ગે જ પોતાનું તેલ આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડે છે. જો આ માર્ગ લાંબા સમય સુધી બંધ રહે અથવા ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડી શકે છે. હાલમાં જ આ તણાવને કારણે અનેક દેશોમાં ઈંધણના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્યો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ મિશનમાં ચીન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા અને યુનાઇટેડ કિંગડમ જેવા દેશોના નામ પણ લીધા છે. જોકે, હજુ સુધી કોઈ પણ દેશે જાહેર ક્ષેત્રે પોતાની સંમતિ આપી નથી. મોટાભાગના દેશો સીધા સૈન્ય સંઘર્ષમાં ઉતરવાને બદલે રાજદ્વારી રીતે ઉકેલ લાવવા ઈચ્છી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમે દુનિયાને વિનાશક સંકટથી બચાવી રહ્યા છીએ, તેલની અછત તો મામૂલી સમસ્યા છેઃ ઈઝરાયલ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code