રામગઢ, 29 નવેમ્બર 2026: ઝારખંડના રામગઢ જિલ્લામાં રાંચી-પટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે વહેલી સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં 13 યાત્રાળુઓના કરુણ મૃત્યુ થયા છે.
મૃતકોમાં ચાર બાળકો, ચાર મહિલાઓ અને પાંચ પુરુષોનો સમાવેશ થાય છે. તમામ પીડિતો બિહારના નાલંદા જિલ્લાના રહેવાસી હતા અને તેઓ પ્રસિદ્ધ રાજરપ્પા મંદિરે પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા.
અકસ્માત રાત્રે લગભગ 2 વાગ્યે થયો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કુજુ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પૈંકીમાં આવેલી ભાજપ કાર્યાલય નજીક રાત્રે લગભગ 2:00 વાગ્યે સર્જાયો હતો. નાલંદા જિલ્લાના જંઘારો ગામથી રાજરપ્પા તરફ એક SUVમાં કુલ 14 લોકો મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે હાઈવે પર તેમનું વાહન કાબૂ બહાર જઈ ગંભીર અકસ્માતનો ભોગ બન્યું હતું.
આ હૃદયદ્રાવક ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યા, જ્યારે વાહનમાં સવાર અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘાયલ વ્યક્તિને સારવાર માટે રામગઢ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
બિહારના નાલંદા જિલ્લામાંથી આવી રહેલા એક સ્કોર્પિયો વાહનમાં (BR21P 6331) કુલ 14 લોકો મુસાફરી કરી રહ્યા હતા. મળતી માહિતી મુજબ, નાલંદાની સરસ્વતી વિદ્યા મંદિર સાથે સંકળાયેલા પરિવારના એક સભ્યને શિક્ષકની નોકરી મળવાની ખુશીમાં, તેઓ રાજરપ્પા મંદિરે પ્રાર્થના કરવા જઈ રહ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓએ બચાવ કામગીરી હાથ ધરી
અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના ગામના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને રાહત તથા બચાવ કામગીરી શરૂ કરી દીધી. સ્થાનિક રહીશોએ ક્ષતિગ્રસ્ત વાહનના કાટમાળમાંથી લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી.
માહિતી મળતાની સાથે જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે સંજોગોમાં આ અકસ્માત સર્જાયો હતો, તેની હાલ તપાસ ચાલી રહી છે.
વધુ વાંચો: IPLમાં સૌથી વધુ મેચ જીતનારા કેપ્ટનોમાં ધોની ટોપ પર, રોહિત બીજા ક્રમે








