Site icon Revoi.in

સુરતના ઊધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ

Social Share

સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો રોજગાર-વ્યવસાય સાથે જાડાઈને વસવાટ કરી રહ્યા છે. દિવાળી અને છઠ પૂજા જેવા તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. શહેરના ઊધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી રહી છે. સવારથી બપોર સુધીમાં 4 ટ્રેનમાં બેસવા 6 હજારથી વધુ પ્રવાસીઓ રેલવે સ્ટેશન પહોંચી જતા ભારે ભીડ જોવા મળી હતી. રેલવે સ્ટેશન પર લગભગ 1 કિ.મી લાંબી પ્રવાસીઓની લાઈન જોવા મળી હતી.

સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતીય શ્રમિકોનો વસવાટ છે. દિવાળી અને છઠ્ઠના તહેવારો અને બિહારમાં ચૂંટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. ઊધના રેસવે સ્ટેશન પર ભારે ભીડને કારણે સ્ટેશન પર એક કિમી લાંબી લાઇન લાગી હતી.

ઊધના રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓ સંખ્યા એટલી વધારે છે કે, સ્ટેશન પર ટિકિટ લેવા અને ટ્રેનમાં ચઢવા માટે મોડી રાતથી લોકોની લાંબી કતારો લાગી ગઈ છે. તહેવારોની સિઝનમાં ટ્રેનમાં જગ્યા ન મળતી હોવાના કારણે લોકો વહેલી સવારથી જ સ્ટેશન પર ધામા નાખીને બેઠા છે.

પ્રવાસીઓની આ બેફામ ભીડને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલ્વે પોલીસ દ્વારા ઊધના રેલ્વે સ્ટેશન પર પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે CCTV કેમેરા ઉપરાંત અત્યાધુનિક ડ્રોન સર્વેલન્સ દ્વારા સમગ્ર પરિસર પર નજર રાખવામાં આવી રહી છે. ડ્રોનનો ઉપયોગ કરીને ભીડને નિયંત્રિત કરવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે. તહેવારોની સિઝન પૂરી ન થાય ત્યાં સુધી ઉધના સ્ટેશન પર આ પ્રકારનો ધસારો અને વિશેષ સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તેવી શક્યતા છે. પ્રવાસીઓને નિયમોનું પાલન કરવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

પ્રવાસીઓની માગને પહોંચી વળવા માટે રેલ્વે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્ડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ વખતે છઠની સાથે-સાથે ટૂંક સમયમાં બિહારમા વિધાનસભાની ચૂંટણીનું પણ આયોજન છે. તેથી લોકો મોટી સંખ્યામાં વોટ આપવા માટે પણ બિહાર જઈ રહ્યા છે. જેના કારણે ગત વર્ષો કરતા આ સિઝનમાં મુસાફરોની ભીડ વધી છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ રેલ્વે દ્વારા વધારાની ટ્રેન ટીપ્સની જાહેરાત કરવામાં આવી છે.