Site icon Revoi.in

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જતા પ્રવાસીઓની ભારે ભીડ

Social Share

સુરતઃ ઉનાળાના વેકેશનનો પ્રારંભ થતાં શહેરમાં ઉત્તર ભારતિય શ્રમિકો પરિવાર સાથે માદરે વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઊધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈને રેલવે સ્ટેશન પર પડ્યા રહે છે. મોટાભાગની ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. પ્રવાસીઓની ભારે ભીડને લઈને ટિકિટ કાઉન્ટરો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તેમજ બંદોબસ્ત માટે રેલવે પોલીસના જવાનો ફરજ બજાવી રહ્યા છે. પ્રવાસીઓને ધસારાને પહોંચી વળવા માટે એક્સ્ટ્રા ટ્રેનો દાડાવવાની માગ ઊઠી છે.

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની શાળા કોલેજોમાં ઉનાળાનું વેકેશન શરૂ થઈ જતા શ્રમિકો પોતાના વતન જઈ રહ્યા છે. યુપી, બિહાર તરફ જતી ટ્રેનોમાં સૌથી વધુ ઘસારો જોવા મળી રહ્યો છે. ઉધના રેલ સ્ટેશન પર હજારોની સંખ્યામાં ટિકિટ મેળવવા ચાર કલાક સુધી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની નોબત પડી રહી છે. લાંબી કતારોમાં ઊભા રહેવા બાદ પણ પ્રવાસીઓને ટિકિટ મળતી નથી. રેલવે સ્ટેશન પર ભારે ભીડ ઉમટી પડતા ટિકિટ કાઉન્ટરો બંધ કરવા આવ્યા છે. મહિલા, યુવક સહિત બાળકો રેલ્વે બોગીમાં સીટ મેળવવા દોડાદોડી કરતા જોવા મળી રહ્યા છે.

સુરત શહેરમાં રોજગારી અર્થે આવેલા યુપી-બિહાર સહિતના રાજ્યોના લોકોને ઉનાળાના વેકેશનમાં પોતાના વતન જવા માટે ટ્રેનના અભાવે પશુઓની જેમ મુસાફરી કરવી પડી રહી છે. ઉત્તર પ્રદેશ જતી અંત્યોદય ટ્રેનની હાલત જોઈને કોઈપણ વ્યક્તિને પરસેવો છૂટી જશે. તમામ અનરિઝવર્ડ્ કોચમાં પગ મુકવાની પણ જગ્યા નથી. તો બીજી તરફ ટિકિટ લેવા માટે લોકો કલાકો સુધી લાઈન ઊભા રહેવા મજબૂર બન્યા હતાં. જ્યારે પ્રવાસીઓની દોઢ કિલોમીટરથી પણ લાંબી લાઈન કાપીને ટિકિટ કાઉન્ટર સુધી પહોંચે છે તો તેમને સાંભળવા મળે છે કે, કાઉન્ટર બંધ થઈ ગયું છે. ટ્રેન છૂટી ન જાય તે માટે કેટલાક મુસાફરો તો માથા પર સામાન મૂકીને જીવના જોખમે દોડતા નજરે પડ્યા હતાં.

Exit mobile version