Site icon Revoi.in

ભાવનગરમાં પત્ની અને પૂત્ર-પૂત્રીની હત્યા કરીને મૃતદેહ દાટી દીધા, આરોપી પતિની ધરપકડ

Social Share

ભાવનગરઃ શહેરના ફોરેસ્ટ વિભાગના અધિકારી  શૈલેષ ખાંભલાની 40 વર્ષય પત્ની નયનાબેન, 13 વર્ષની દીકરી પૃથ્વા અને નવ વર્ષનો દીકરો ભવ્ય ત્રણેય સુરતથી વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. ત્યારબાદ 5મી નવેમ્બરે સુરત જવા નીકળતા ગુમ થયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ફોરેસ્ટ કોલોની નજીક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેના બે સંતાનોના દાટી દીધેલા મૃતદેહ મળી આવ્યા હતા. આ બનાવમાં પોલીસે સુરતથી ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખંભાલાની ધરપકડ કરી છે. પોતાની પત્ની અને બે બાળકોની હત્યાનું કારણ જાણવા માટે પોલીસ પૂછતાછ કરી રહી છે.

શહેરમાં અરેરાટી ફેલાવતી ઘટના બની છે. વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખંભાલાએ સુરતથી આવેલા તેમના પત્ની અને બે બાળકો ગુમ થયા હોવાની જાણ પોલીસ વિભાગમાં કરી હતી. જે બાદ ફોરેસ્ટ કોલોનીની બાજુમાં આવેલી અવાવરુ જગ્યામાંથી દાટી દીધેલી હાલતમાં ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. આ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જોકે પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈ પેનલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ સાથે શંકાસ્પદ પતિને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ તપાસમાં પત્નીના ફોનમાંથી પતિને આવેલો મેસેજ છે તે કડીરૂપ સાબિત થઈ શકે છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ આરોપી શૈલેષ ખાંભલાએ 2 નવેમ્બરે જ ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે એડવાન્સ પ્લાનિંગ કરી ખાડો ખોદી રાખ્યો હતો. ત્યાર બાદ બે ગાડી માટી પણ મંગાવી રાખી હતી. આખું પ્લાનિંગ થઈ ગયા બાદ તેણે પત્ની, પુત્ર અને પુત્રીને 5-6 નવેમ્બરના રોજ પતાવી દીધા હતા

ભાવનગરના તળાજા રોડ પર કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલાની 40 વર્ષની પત્ની નયનાબેન શૈલેષભાઈ ખાંભલા, 13 વર્ષની દીકરી પૃથ્વા શૈલેષભાઈ ખાંભલા અને નવ વર્ષનો દીકરો ભવ્ય શૈલેષભાઈ ખાંભલા ત્રણેય સુરતથી વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. વેકેશન પતવાને કારણે આ ત્રણેય પાંચમી નવેમ્બરના રોજ સુરત જવા માટે નીકળ્યા હતા. જોકે, સાતમી નવેમ્બરના રોજ શૈલેષ ખાંભલાએ પત્ની અને બાળકો ગુમ થઈ ગયા છે તેવી અરજી ભરતનગર પોલીસ મથકમાં આપી હતી. આ અરજીના દસ દિવસ સુધી પોલીસ તંત્ર ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બાળકોની શોધખોળ કરી રહી હતી. આ તપાસના દસ દિવસ બાદ પોલીસને બાતમી મળી હતી. ફોરેસ્ટ કોલોનીમાં આવેલી અવાવરુ જગ્યામાંથી આસપાસના વિસ્તારોમાં વાસ ફેલાઈ રહી હતી. ત્યાર બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું અને ડોગસ્કવોડ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અવાવરુ જગ્યામાં સર્ચ કરીને જમીનમાં ખોદકામ શરૂ કર્યું હતું. જમીન ખોદતાની સાથે જ એક પછી એક ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. આ મળેલા મૃતદેહ વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે બાળકોના હતા.

પોલીસ સૂત્રોએ આ અંગે માહિતી આપી છે કે, ખાંભલાએ 5 નવેમ્બરના રોજ તેની પત્નીના ફોનમાંથી પોતાના ફોન પર કથિત મેસેજ મોકલ્યો હતો. મેસેજમાં લખ્યું હતું કે, “હું મારા બાળકોના સાચા પિતા પાસે જાઉં છું. મને શોધવાનો પ્રયાસ કરશો નહીં.” અધિકારીઓ માને છે કે, આ પોલીસ અને પરિવારના સભ્યો બંનેને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ હોઈ શકે છે. ખાંભલાએ બંને પરિવારોને જાણ કરી હતી કે, તેની પત્ની અને બાળકો આ મેસેજ મળ્યાના બે દિવસ પછી સાત નવેમ્બરના રોજ ગુમ થયા હતા. જેનાથી તરત જ તેની ભૂમિકા પર શંકા ઉભી થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી પૂછપરછ દરમિયાન શાંત હતો પરંતુ અસંગત નિવેદનો આપી રહ્યો હતો. ( મૃતકના ફાઈલ ફોટા)

 

 

Exit mobile version