1. Home
  2. ગુજરાતી
  3. શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી
શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી

શિન્ઝો આબેની હૂંફ, ચતુરાઇ, કૃપા, મિત્રતા અને માર્ગદર્શન માટે હંમેશા ઋણી રહીશઃ PM મોદી જૂની યાદો વાગોળી

0
Social Share

જાપાનના પૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેનું મોત થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાના તમામ રાજકીય નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિન્ઝો આબેને યાદ કરીને બ્લોગ લખ્યો છે. તેમણે બ્લોગમાં લખ્યું છે કે, શિન્ઝો આબે – જાપાનના એક ઉત્કૃષ્ટ નેતા, મહાન વૈશ્વિક રાજનેતા અને ભારત-જાપાન વચ્ચે મિત્રતાના મહાન ચેમ્પિયન – હવે આપણી વચ્ચે નથી. જાપાન અને વિશ્વએ એક મહાન સ્વપ્નદૃષ્ટા ગુમાવ્યા છે. અને, મેં એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે.

હું 2007માં, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે મારી જાપાનની મુલાકાત દરમિયાન તેમને પહેલી વખતે મળ્યો હતો. તેમની સાથે થયેલી પહેલી મુલાકાતથી જ, અમારી મૈત્રી ઓફિસની મર્યાદાઓ અને સત્તાવાર પ્રોટોકોલના બંધનોથી આગળ વધી હતી. ક્યોટોમાં આવેલા તોજી મંદિરની અમારી મુલાકાત, શિંકનસેન પર અમારી ટ્રેનની મુસાફરી, અમદાવાદમાં સાબરમતી આશ્રમની અમારી મુલાકાત, કાશીમાં ગંગા આરતી, ટોક્યોમાં વિગતવાર ચા સમારંભ, અમારી વચ્ચે થયેલા યાદગાર વાર્તાલાપની યાદી ખરેખર ઘણી લાંબી છે. તેઓ જ્યારે 2007 થી 2012 દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ન હતા અને તાજેતરમાં 2020 પછી પણ અમારું અંગત જોડાણ હંમેશની જેમ મજબૂત રહ્યું હતું.

આબે સાન સાથેની દરેક મુલાકાત બૌદ્ધિક રીતે ઉત્સાહિત કરી દેનારી હતી. તેઓ હંમેશા શાસન, અર્થતંત્ર, સંસ્કૃતિ, વિદેશ નીતિ અને અન્ય વિવિધ વિષયો પર નવા વિચારો અને અમૂલ્ય આંતરદૃષ્ટિથી ભરેલા રહેતા હતા.

તેમની સલાહથી મને ગુજરાત માટે મારી આર્થિક પસંદગીઓ કરવાની પ્રેરણા મળી હતી. અને, જાપાન સાથે ગુજરાતની વાઇબ્રન્ટ ભાગીદારીનું નિર્માણ કરવામાં તેમનો સહકાર ખૂબ જ મહત્વનો હતો.

પછી તો, ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં અભૂતપૂર્વ પરિવર્તન લાવવા માટે તેમની સાથે કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો એ મારા માટે એક વિશેષાધિકાર હતો. મોટા પ્રમાણમાં સંકુચિત, દ્વિપક્ષીય આર્થિક સંબંધોમાંથી, અબે સાને તેને એક બહોળા, વ્યાપક સંબંધોમાં પરિવર્તિત કરવામાં મદદ કરી હતી, જેમાં માત્ર રાષ્ટ્રીય પ્રયાસોના દરેક ક્ષેત્રને આવરી લેવામાં આવ્યું ન હતું, પરંતુ તે પરિવર્તન આપણા બંને દેશો અને ક્ષેત્રની સુરક્ષા માટે નિર્ણાયક બન્યું હતું. તેમના મતે, આ સંબંધ આપણા બંને દેશો વચ્ચે અને દુનિયાના લોકો માટે સૌથી વધુ પરિણામદાયક સંબંધોમાંનો એક હતો. તેઓ ભારત સાથેના નાગરિક પરમાણુ કરારને અનુસરવા માટે સંકલ્પબદ્ધ હતા – જે તેમના દેશ માટે સૌથી મુશ્કેલ હતું – અને ભારતમાં હાઇ સ્પીડ રેલ માટે સૌથી ઉદાર શરતો આપવામાં તેઓ નિર્ણાયક ભૂમિકામાં રહ્યા હતા. સ્વતંત્ર ભારતની સફરમાં સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરીકે, તેમણે ખાતરી આપી હતી કે, નવું ભારત પોતાની વૃદ્ધિને વેગ આપે છે તેથી જાપાન તેની પડખે છે.

ભારત અને જાપાન વચ્ચેના સંબંધોમાં તેમણે આપેલા યોગદાન બદલ 2021માં તેમને પ્રતિષ્ઠિત પદ્મ વિભૂષણ એનાયત કરીને તેમનું ભવ્ય રીતે સન્માન કરવામાં આવ્યું હતું.

આબે સાન દુનિયામાં થઇ રહેલા જટિલ અને બહુવિધ પરિવર્તનોની ઊંડી સમજ ધરાવતા હતા, રાજનીતિ, સમાજ, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર સમય કરતાં પહેલા તેનો પ્રભાવ જોવાની તેમની પાસે દીર્ઘદૃષ્ટિ હતી, જે પસંદગીઓ થવાની હતી તે જાણવાનું શાણપણ ધરાવતા હતા, પ્રસ્થાપિત પ્રણાલીઓનો સામનો કરીને પણ સ્પષ્ટ અને હિંમતપૂર્ણ નિર્ણયો લેવાની તેમનામાં ક્ષમતા હતી અને પોતાના લોકો તેમજ દુનિયાને પોતાની સાથે રાખીને આગળ વધવાનું દુર્લભ સામર્થ્ય હતું. તેમની દૂરોગામી નીતિઓ ‘એબેનોમિક્સ’ના કારણે જાપાનનું અર્થતંત્ર પુનર્જીવિત થયું અને તેમના લોકોમાં આવિષ્કાર તેમજ ઉદ્યોગસાહસિકતાની ભાવના ફરીથી પ્રજ્વલિત થઇ હતી.

તેમણે આપણને આપેલી સૌથી મહાન ભેટો અને તેમનો સૌથી સ્થાયી વારસો, અને જેના માટે વિશ્વ હંમેશા ઋણી રહેશે, તે છે બદલાતી ભરતીના મોજાંઓને ઓળખવામાં અને આપણાં સમયના તોફાનને એકત્ર કરવામાં તેમની દૂરંદેશી અને તેની સામે પ્રતિક્રિયા આપવામાં તેમનું નેતૃત્વ. અન્ય લોકોની સરખામણીએ ઘણા પહેલાં, 2007માં તેમણે ભારતીય સંસદમાં પોતાના મુખ્ય ભાષણમાં, સમકાલિન રાજકીય, વ્યૂહાત્મક અને આર્થિક વાસ્તવિકતા તરીકે ઇન્ડો પેસિફિક ક્ષેત્રના ઉદય માટેનો આધાર મૂક્યો હતો – આ એક ક્ષેત્ર છે જે આ સદીમાં વિશ્વને પણ આકાર આપશે.

અને, તેના સ્થિર અને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય માટે એક માળખા અને આર્કિટેક્ચરનું નિર્માણ કરવામાં તેમણે અગ્રમોરચેથી નેતૃત્વ સંભાળ્યું હતું, જે સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા માટે આદર, આંતરરાષ્ટ્રીય કાયદા અને નિયમોનું પાલન, ઊંડા આર્થિક જોડાણ દ્વારા સમાનતા અને સહિયારી સમૃદ્ધિની ભાવનામાં આંતરરાષ્ટ્રીય સંબંધોના શાંતિપૂર્ણ આચરણ જેવા મૂલ્યોની તેઓ જે ખૂબ જ કદર કરતા હતા તેના પર આધારિત હતું.

ક્વાડ, ASEANની આગેવાની હેઠળની ફોરમ, ઇન્ડો પેસિફિક મહાસાગરોની પહેલ, એશિયા-આફ્રિકા વિકાસ કોરિડોર અને આપદા પ્રતિરોધક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, આ બધાને તેમના યોગદાનથી ફાયદો થયો છે. શાંતિથી અને મોટા દેખાડા કર્યા વગર, અને વિદેશમાં ખચકાટ અને સંશયને દૂર કરીને, તેમણે સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સંરક્ષણ, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉક્ષમતા સહિત જાપાનના વ્યૂહાત્મક જોડાણમાં પરિવર્તન લાવ્યું હતું. તેના માટે, પ્રદેશ તેના ભાગ્ય વિશે વધુ આશાવાદી છે અને વિશ્વ તેના ભવિષ્ય વિશે વધુ વિશ્વાસ ધરાવે છે.

આ વર્ષે મે મહિનામાં મારી જાપાનની મુલાકાત દરમિયાન, મને આબે સાનને મળવાની તક પ્રાપ્ત થઇ હતી, તેમણે એ સમયમાં જ જાપાન-ભારત એસોસિએશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ હંમેશની જેમ તેમના સ્વ-ઉર્જાવાન, મનમોહક, પ્રભાવશાળી અને ખૂબ જ વિનોદી મૂડમાં હતા. ભારત અને જાપાનની મિત્રતાને કેવી રીતે વધુ મજબૂત કરવી તે અંગે તેમની પાસે નવીન વિચારો હતા. તે દિવસે જ્યારે મેં તેને અલવિદા કહ્યું, ત્યારે મને જરાય કલ્પના પણ નહોતી કે તે અમારી અંતિમ મુલાકાત હશે.

હું તેમની હૂંફ અને ચતુરાઇ, કૃપા અને ઉદારતા, મિત્રતા અને માર્ગદર્શન માટે હું હંમેશા ઋણી રહીશ અને મને હંમેશા તેમની ખોટ વર્તાશે.

તેમણે અમને ખુલ્લા હૃદયથી સ્વીકાર્યા હતા તેથી તેમના નિધનના કારણે ભારતમાં અમે અમારા આપ્તજનની વિદાય તરીકે શોકાતૂર છીએ. તેઓ જેને સૌથી વધુ પ્રેમ કરતા હતા તે કરતી વખતે એટલે કે લોકોને પ્રેરણા આપતી વખતે મૃત્યુ પામ્યા છે. તેમનું જીવન દુ:ખદ રીતે ટૂંકાઇ ગયું છે, પરંતુ તેમનો વારસો હંમેશ માટે ટકી રહેશે.

હું ભારતના લોકો વતી અને મારા પોતાના વતી જાપાનના લોકો, ખાસ કરીને શ્રીમતી અકી આબે અને તેમના પરિવાર પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code