Site icon Revoi.in

IAS અધિકારી રાજેશ કુમાર સિંહે સંરક્ષણ સચિવનું પદ સંભાળ્યું

Social Share

નવી દિલ્હીઃ રાજેશ કુમાર સિંહે આજે નવી દિલ્હીમાં સાઉથ બ્લોક ખાતે સંરક્ષણ સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ કેરળ કેડરના 1989-બેચના IAS અધિકારી છે, જેમણે 20 ઓગસ્ટ, 2024ના રોજ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (સંરક્ષણ સચિવ-નિયુક્ત)નો ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતા પહેલા રાજેશ કુમાર સિંહે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક, નવી દિલ્હી ખાતે શહીદ થયેલા નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે કહ્યું, “માતૃભૂમિની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા આપણા બહાદુર સૈનિકોનું રાષ્ટ્ર હંમેશ માટે ઋણી રહેશે. તેમની અસાધારણ બહાદુરી અને બલિદાન ભારતને સુરક્ષિત અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવા માટે આપણા માટે શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત છે.”

અગાઉ રાજેશ કુમાર સિંહ 24 એપ્રિલ, 2023થી 20 ઓગસ્ટ, 2024 સુધી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના  ઉદ્યોગ અને આંતરિક વ્યાપારના પ્રમોશન વિભાગના સચિવનો હવાલો સંભાળતા હતા. તે પહેલા, તેમણે પશુપાલન અને ડેરી, મત્સ્યોદ્યોગ મંત્રાલયના પશુપાલન અને ડેરી, મત્સ્યોદ્યોગ વિભાગના સચિવનું પદ સંભાળતા હતા. આ અધિકારીએ કેન્દ્ર સરકારમાં શહેરી વિકાસ મંત્રાલયમાં ડિરેક્ટર, વર્ક્સ અને શહેરી પરિવહન, કમિશનર (જમીન) – ડીડીએ, સંયુક્ત સચિવ – પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, સંયુક્ત સચિવ – કૃષિ સહકારિતા અને ખેડૂત કલ્યાણ વિભાગ અને મુખ્ય તકેદારી અધિકારી – ભારતીય ખાદ્ય નિગમ જેવા અન્ય ઘણા મહત્વના હોદ્દા સંભાળ્યા છે. તેમણે રાજ્ય સરકારમાં શહેરી વિકાસ સચિવ તરીકે અને હાલમાં જ કેરળ સરકારના નાણા સચિવ તરીકે મહત્વપૂર્ણ હોદ્દાઓ પણ સંભાળ્યા હતા. આર.કે. સિંહ આંધ્ર પ્રદેશ કેડરના 1988-બેચના IAS અધિકારી ગિરધર અરમાણેનું સ્થાન લેશે, જેઓ 31 ઓક્ટોબર, 2024ના રોજ સેવામાંથી નિવૃત્ત થયા.

 

Exit mobile version