T20 વર્લ્ડ કપમાં ભારત-પાક વચ્ચેની મેચ અંગે અંતિમ નિર્ણય ICC લેશેઃ BCCI
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: ક્રિકેટ જગત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો હાઈ-વોલ્ટેજ મુકાબલો હવે અનિશ્ચિતતાના વમળમાં ફસાયો છે. 15 ફેબ્રુઆરીના રોજ નિર્ધારિત આ મેચ રમાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. આ મામલે સ્પષ્ટતા કરતા BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, આ અંગેનો અંતિમ નિર્ણય હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ લેવાનો છે.
મીડિયા સાથેની વાતચીતમાં રાજીવ શુક્લાએ આ વિવાદ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું, “હું આ બાબતો પર અત્યારે કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી. BCCI તરફથી કોઈ સત્તાવાર નિવેદન નથી. બધું જ ICC પર છોડી દેવામાં આવ્યું છે. તેઓ જે પણ નિર્ણય લેશે, અમે તેને સ્વીકારીશું.”*
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશે સુરક્ષાના કારણો આગળ ધરીને ભારત આવવાનો ઇનકાર કર્યો અને મેચના સ્થળ બદલવાની માંગ કરી. ICCએ કડક વલણ અપનાવતા બાંગ્લાદેશને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી દીધું અને તેમના સ્થાને સ્કોટલેન્ડનો સમાવેશ કર્યો હતો. બાંગ્લાદેશના સમર્થનમાં હવે પાકિસ્તાન સરકારે પણ ભારત વિરુદ્ધ મેચ નહીં રમવાની જાહેરાત કરી દીધી છે, જેના કારણે ટૂર્નામેન્ટના આર્થિક અને રમતગમતના સમીકરણો બગડવાની ભીતિ છે.
આ ગતિરોધને ઉકેલવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસિન નકવીએ લાહોરમાં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ અમીનુલ ઈસ્લામ સાથે મુલાકાત કરી હતી. તે જ સમયે, ICCના ઉપાધ્યક્ષ ઈમરાન ખ્વાજા પણ સમાધાનના પ્રયાસો માટે લાહોર પહોંચ્યા છે.
આ પણ વાંચોઃ દિલ્હીની 11 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી


