
હથેળીમાં સાજું, તાજું અને રળિયામણું જીવન ઉઘાડતું પુસ્તક..!! “મરો ત્યાં સુધી જીવો” : ગુણવંત શાહ
પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા
પુસ્તક : “મરો ત્યાં સુધી જીવો”
લેખક : ગુણવંત શાહ
ગુજરાતી ભાષા અને સાહિત્ય અને લેખન જગતમાં સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલું જાજરમાન વ્યક્તિત્વ એટલે આદરણીય ગુણવંત શાહ. એમનું આપણી ભાષામાં યોગદાન અમૂલ્ય છે. એ સૌ ગુજરાતીઓના હૈયે વસેલા પ્રિય લેખક છે. સપ્ટેમ્બર 2006 પ્રથમ આંતરરાષ્ટ્રીય આવૃત્તિ સાથે પ્રકાશિત આપણી હથેળીઓમાં સાજું, તાજું અને રળિયામણું જીવન ઉઘાડતું પુસ્તક : “મરો ત્યાં સુધી જીવો” આપણને આપી અને આપણને પ્રસન્નતા સાથે સ્વાસ્થ્યની કેળવવાનો આ પુસ્તકના માધ્યમથી અદભૂત પ્રયાસ કર્યો. ગુણવંત શાહ ના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વર્ધક લેખોનું આ અદભૂત સંપાદન ડૉ. મનીષા મનીષ દ્વારા કરવામાં આવ્યું. સ્વસ્થ અને મસ્ત જીવનની ઝંખના રાખતા આપણાં સૌ કોઈ માટે આ પુસ્તક સર્જન પામ્યું !
હાલના સંજોગોમાં માનવી સ્વાનુભવે એમ શીખ્યો કે સાજું, તાજું અને રળિયામણું જીવન એ માત્ર ઝંખના જ નહીં પણ જીવવા માટેની જરૂરિયાત છે અને આ જરૂરિયાતને લેખક એ એક શિક્ષક તરીકે આપણાં માં અનેક જીવંત, સરળ અને મજાના ઉદાહરણો સાથે આપણાં માંહ્યલામાં ઉતારવાનો સાતત્યપૂર્વક પ્રયાસ કર્યો. આ પ્રયાસ ખરેખર વંદનીય છે. હથેળીમાં સમાઈ જાય અને હૃદયમાં વસી જાય એવું નાનકડું રૂપકડું પુસ્તક છે.
પુસ્તક પરમાત્માના ઘર સાથે ઉઘડે છે અને એ ઘર એટલે આપણું શરીર અને ત્યાર બાદ ડૉ મનીષા મનીષ નું સંપાદકીય એકદમ મજાનું નિખાલસ લેખન તમને પુસ્તક ના પાને પાના વાંચવા પ્રેરશે સાથે સાથે એકદમ રસપ્રદ અનુક્રમ 1. મરો ત્યાં સુધી જીવો થી શરૂ કરીને 2. ખારેક ખાધી એ વાત ને કેટલા વર્ષ થયાં 3. તબિયત બગાડવાની હઠ 4. ઓપરેશન થિયેટરમાં …..35. બ્રહ્મ સત્યમ જગત સ્ફૂર્તિ: 36. લાલ લોહીની લીલા 37. જીવનની બે પાંખો : પ્રેમ અને ધ્યાન જેવા તન અને મન ને પ્રસન્ન કરનારા માત્ર ખૂબ અભ્યાસુ કલમથી જ નહીં પણ હૃદયથી લખાયેલા લેખો તમને આ પુસ્તકના પ્રેમમાં પાડશે એની ખાતરી !!
ગુણવંત શાહ નું એકદમ જીવંત લેખન વાંચતા આપણે એમ અનુભવીશું કે જાણે લેખક આપણી સાથે વાતો કરી રહ્યા છે અને સડસડાટ ક્યાં છેલ્લા પાને પહોંચશો એનો ખ્યાલ પણ નહીં આવે ! પુસ્તકના પાને પાના માં આપણી આત્મજાગૃતિના માધ્યમથી સ્વાસ્થ્યની વસંત ખીલી હોય એમ લાગશે ! અને પાને પાને ખીલેલા મનગમતા ફૂલો આપણા જીવનને ખૂબ ઉચ્ચતમ વિચારોથી મધમધ કરશે. હવે એ જાણીએ કે પુસ્તકના પાનાઓમાં કેવા વૈચારિક પુષ્પો ખીલે છે એ જોઈએ 1. “ઈશ્વર રોગ મટાડે છે, પણ ફી તો દાક્તર લઈ જાય છે – ફ્રેન્કલીન” 2. “હે પ્રભુ ! તમે તેજસ્વીરૂપ છો , મને તેજ આપજો . તમે બળ સ્વરૂપ છો , મને બળ આપજો . – વેદ” 3. સોનાચાંદીના ટૂકડા એ સાચી સંપત્તિ નથી, આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે..!! – ગાંધીજી 4. ઊંઘ એટલે પાંપણની પીંછીઓએ આંખની કીકીઓમાં કરેલું ઝીણું નકશીકામ. – જગદીશ જોશી. 5. તંદુરસ્તી જો (દવાની) બોટલમાં મળતી હોત તો દરેક જણ તંદુરસ્ત હોત. – ચેર આવા અનેક મહાપુરુષોના અનુભવ વાક્યો અને વેદ પુરાણો ના સૂચક અને જીવનમાં ઉતારવા લાયક સુવાક્યો પાનામાં ઉગેલા પુષ્પો સ્વરૂપે આપણાં જીવતરને સુગંધિત કરશે ! ક્યાંક ક્યાંક કવિતાઓમાં અને સાહિત્યસર્જનની રચનાઓમાં પણ મનગમતી ડૂબકી મારીને ભીંજાવા મળશે જેમ કે
રામનારાયણ વિશ્વનાથ પાઠકની પંક્તિઓ હોય….
“બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભુ ઊભાં રહેલનું;
સૂતેલાનું રહે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું.
થાય છે કલિ સૂવાથી, દ્વાપર બેસવા થકી;
બને ત્રેતા થતાં ઉભો, ચાલતાં કૃત થાય છે.
ક્યાંક ગીતામાં કૃષ્ણમય થવાશે…
પામ્યે પ્રસન્નતા તેનાં
દુઃખો સૌ નાશ પામતાં,
પામ્યો પ્રસન્નતા તેની
બુદ્ધિ શિઘ્ર બને સ્થિર.
આવું અનેક અનેક પરમ આનંદિત રસપ્રદ ઘણું ઘણું આ પુસ્તકમાં મળશે માનવ ને માનવતીર્થ બનાવવાનું આ પુસ્તકમાં સામર્થ્ય છે સદવિચારો ની સંજીવની જેવું પુસ્તક “મરો ત્યાં સુધી જીવો” ના તમામ પાના વાંચ્યા પછી માનસિક અને શારીરિક હેલ્થ અને એ રીતે વેલ્થમાં ચોક્કસ કંઈક નક્કર અને હકારાત્મક ઉમેરાશે એ જાત અનુભવ છે આવા અજોડ સર્જન બદલ લેખકશ્રી અને સંપાદક શ્રી સ્નેહવંદન અને અનેક અભિનંદનને પાત્ર છે !
છેલ્લે લેખકશ્રી હોલિસ્ટિક હેલ્થ પર ખૂબ અદભૂત વાત ને સમજાવે છે …
“તન નિરોગી,
મન નિર્મળ અને
માંહ્યલો આનંદથી છલોછલ !
આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે.
સદીઓ પહેલાં
વેદના ઋષિએ પ્રાર્થના કરેલી:
“ભગવન્ ! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.”
રોગ કંઈ સાવ નવરોધૂપ નથી
કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે.
રોગને પણ સ્વમાન હોય છે.”
~ ગુણવંત શાહ
વિશ્વના સૌનું જીવન સાજું તાજું અને રળિયામણું બની રહે એજ શુભભાવ સાથે સૌનું મંગલમય હો ! શુભ હો !