1. Home
  2. ગુજરાતી
  3. આજે માતા રમાબાઇ એટલે કે આઇ સાહેબ આંબેડકરની 86મી પુણ્યતિથિ: જાણો તેમના સંઘર્ષમય જીવન વિશે
આજે માતા રમાબાઇ એટલે કે આઇ સાહેબ આંબેડકરની 86મી પુણ્યતિથિ: જાણો તેમના સંઘર્ષમય જીવન વિશે

આજે માતા રમાબાઇ એટલે કે આઇ સાહેબ આંબેડકરની 86મી પુણ્યતિથિ: જાણો તેમના સંઘર્ષમય જીવન વિશે

0
Social Share

ડૉ. શિરીષ કાશિકર

આઈ સાહેબ આંબેડકર (1897-1935)

અમદાવાદ: માતા રમાબાઈ ભીમરાવ આંબેડકર એક એવું નામ છે કદાચ જેના પર વધારે ચર્ચાઓ થતી નથી કારણકે ઓરડાના અંધકારને દૂર કરતા દીવાની જ્યોતની સહુ વાત કરે પણ એ દીવાને પ્રજ્જ્વલિત રાખતી વાટ અને ઈંધણ એવા તેલનું મહત્વ ક્યારેક ધ્યાનમાં નથી આવતું. આવું જ કંઈક મહાપુરુષોને આજીવન સાથ આપી, તેમના સંઘર્ષમાં સાથે રહી, તેમને સફળતાની સીડીઓ ચઢવામાં મદદરૂપ થનારી સ્ત્રીઓની બાબતમાં થતું હોય છે. ભારતરત્ન ડો. ભીમરાવ આંબેડકરે ભીમરાવમાંથી બાબાસાહેબ બનવા સુધીની યાત્રા કરી તેમાં અનેક વળાંકો, પડાવો પસાર કર્યા, પીડાઓ અને સંઘર્ષો વેઠ્યા. આ બધામાં એમની સાથે અડીખમ રહેનારાઓ પૈકી સૌથી મોખરે હતા એમના જીવનસંગીની રમાબાઈ આંબેડકર. તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમનું એકમાત્ર ધ્યેય હતું દલિતો, પીડિતો અને શોષિતો માટે સતત મથતા એમના પતિ અને કુટુંબની સુખાકારી. આ કાર્ય માટે એમણે પોતાની જાત અક્ષરશઃ ઘસી નાખી. આજે માતા રમાબાઇ એટલે કે આઈ સાહેબની 86મી પુણ્યતિથિ નિમિત્તે તેમનું પુણ્યસ્મરણ કરીએ.

રમાબાઈ એટલે કે ‘ રામી ‘ નો જન્મ 7 ફેબ્રુઆરી 1897ના રોજ મહારાષ્ટ્રના દાભોલ નજીક વાંદગાવમાં થયો હતો. ભીખુ ધૂત્રે અને રુકમણીના ચાર સંતાનો પૈકીનું એક એટલે રામી. નાની ઉંમરમાં જ માતા પિતાનું છત્ર ગુમાવ્યું, પોતાના ભાઇભાંડુઓની સાથે તેઓ મુંબઈમાં મામાને ત્યાં રહેવા ગયા. એ સમય બાળલગ્નોનો હતો એટલે 10 વર્ષની ઉમરે જ તેમના લગ્ન ભીમરાવ સાથે થઈ ગયા. આંબેડકર કુટુંબને એમના સ્વરૂપમાં એક ગુણિયલ દીકરી મળી. તેમના જીવનના સંઘર્ષની આ જાણે શરૂઆત હતી.

જ્યારે ભીમરાવ વિલાયત અભ્યાસ અર્થે જવા નીકળ્યા ત્યારે ઘરની તમામ જવાબદારીઓ રમાબાઈ પર આવી પડેલી. પોતાના બાળકો સિવાય જેઠના પુત્ર અને વિધવા ભાભીની પણ જવાબદારી હતી. પણ એ સવારે વહેલા ઊઠીને છાણા વીણી આવતા, ઘર ચલાવતા અને સામાજિક જવાબદારીઓ પણ નિભાવતા. વિલાયતથી ભણીને પરત આવ્યા બાદ ભીમરાવે ઘરને જરૂરી આર્થિક ટેકો આપ્યો પણ ફરી એકવાર ભણવા વિદેશ ગયા. બીમાર પુત્ર અને આર્થિક બેહાલ પરિસ્થિતિ એ રમાબાઈને બેચેન કર્યા પણ સંઘર્ષ ચાલુ રહ્યો.

તેમના અને ભીમરાવના લગ્નજીવનનો પ્રારંભ ભલે 1911માં થયો પણ ખરા અર્થમાં દામ્પત્યજીવનની શરૂઆત 1923માં થઈ. જો કે ખૂબ નાની વયે પ્રસુતિ અને બાળકોના અસામાયિક મૃત્યુએ તેમના શરીરને દુર્બળ બનાવી દીધું. એક સમય તો એવો આવ્યો કે યોગ્ય સારવારને અભાવે નાનો ગંગાધર મૃત્યુ પામ્યો ત્યારે તેના મૃતદેહને ઢાંકવા રમાબાઈના સાડલાનો છેડો ફાડી તેના ટુકડાનો ઉપયોગ કરવો પડ્યો. આ બધી ઘટનાઓએ સતત સંઘર્ષરત માતાના હૃદય પર કેવી અસર કરી હશે એની તો કલ્પના જ કરવી રહી. ધીરે-ધીરે ભીમરાવ કારકિર્દીમાં આગળ વધ્યા અને તેમની ખ્યાતિ થઈ. તેમના વિદ્યાર્થીઓએ તેમને “બાબાસાહેબ” અને માતા રમાબાઈને “આઇ સાહેબ” વિશેષણ આપ્યા. જો કે પોતાની સતત ચિંતા કરતી અને કુટુંબને સંભાળતી પત્ની માટે પુરતો સમય ન ફાળવી શકવાનો બાબા સાહેબને પણ ખૂબ અફસોસ હતો. તેમણે “બહિષ્કૃત ભારત”માં લખેલું કે”….જેણે રાત-દિવસ જોયા વગર મારો ઘર સંસાર સંભાળ્યો અને હજુ એ આ બોજો વહન કરી રહી છે તેવી મારી વહાલસોયી પત્ની પરદેશથી આવ્યા પછી પણ અમારી દુઃખી દશામાં પણ આગળ પાછળ જોયા વગર માથે છાણાનો ભાર વહન કરી રહી છે તેવી અત્યંત માયાળું, મમતાળુ, સુશીલ અને પૂજ્ય પત્નીના સહવાસ માટે દિવસના ચોવીસ કલાકમાં અડધો કલાક પણ આપી શકતો નથી.”

માતા રમાબાઈની તબિયત પછી તો દિવસે દિવસે બગડતી ગઈ. ક્ષયની બીમારી એ ભરડો લઇ લીધો હતો. બાબાસાહેબ તેમને હવાફેર કરવા થોડો સમય ધારવાડ પણ લઈ ગયા પણ આખરે 27 મે 1933ના રોજ 38 વર્ષની વયે એમનું મુંબઈના નિવાસ સ્થાન રાજગૃહ ખાતે અવસાન થયું. દેશના દલિતો માટે આશાના દિવડા સમાન બાબાસાહેબની તેજજ્યોતિનું જાણે ઈંધણ ખૂટ્યું. માતા રમાબાઈ એટલે કે આઇ સાહેબે અપાર સંઘર્ષ વેઠીને પણ બાબાસાહેબના માધ્યમથી દલિત બંધુઓ – ભગિનીઓની આશાની જ્યોત પ્રગટાવી રાખી, જે એમના પવિત્ર જીવનનું અંતિમ ધ્યેય રહ્યું.

(પૂરક માહિતી: ડો.કલ્પેશ વોરાના પુસ્તક” આઇ સાહેબ” અને અન્ય જાહેર સ્ત્રોતો )

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code