
અમદાવાદ : શહેરમાં એક સમયે કોરોનાનું સંક્રમણ વધતા રોજના અસંખ્ય કેસ નોંધાતા હતા. પણ હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. કોરોનાના ટેસ્ટિંગ માટે બુથ પર લાઈનો લાગતી હતી ત્યાં હવે એકલ-દોકલ લોકો પણ જોવા મળતા નથી. આમ કોરોનાનું જોર ઘટતાં જેમ મ્યુનિ.એ 37 ડેજીગ્નેટડ હોસ્પિટલો અને 1818 બેડ ઓછાં કરી નાખ્યા છે. એવી જ રીતે કોરોનાના ટેસ્ટીંગ માટે મ્યુનિ.એ જુદા જુદા મેઇન રોડ પર ઊભા કરેલા 120 તંબુઓ ઘટાડીને હાલ 60 જેટલા કરી નાખ્યા છે. અગાઉ તંબુઓ બહાર લોકોની લાઇનો લાગતી હતી તે હવે અદ્રશ્ય થવા માંડી છે.
અમદાવાદ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશને જુદા જુદા વિસ્તારોમાં કોરોનાના ટેસ્ટિંગ માટે 120 જેટલા બુથ ઊભા કર્યા હતા.હવે કેસમાં ઘટાડો થતાં બુથ પર લોકો કોરોનાના ટેસ્ટિંગ માટે આવતા નથી. આ અંગે હેલ્થના એક અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ 100 ટેસ્ટ કરાય તો તેમાંથી 15 કે તેથી વધુ લોકોના રિપોર્ટ પોઝીટિવ આવતા હતા.હાલ આ પોઝીટિવિટી રેશિયો 2થી 3 ટકા થઈ ગયો છે. નવા પશ્ચિમ ઝોનના એક અધિકારીએ કહ્યું હતું કે, આજે અમે 268 ટેસ્ટ કર્યા તેમાંથી માત્ર 1 જ પોઝીટિવ નીકળ્યો છે. જ્યારે બે દિવસ પહેલાં 375 ટેસ્ટ કર્યા તેમાંથી એક પણ વ્યક્તિનો રિપોર્ટ પોઝીટિવ આવ્યો ન હતો.
હાલ કેટલાક લક્ષણો વગરના લોકો એટલા માટે ટેસ્ટ કરાવવા આવે છે કે તેમને બહાર જવાનું હોય છે અથવા નોકરીમાં જોડાતા પહેલા રિપોર્ટ આપવાનો હોય છે. બીજી તરફ દાખલ થવાના ફાંફા હતા તે ખાનગી હોસ્પિટલોના હાલ 10 ટકા બેડ જ ભરાયેલા છે. 90 ટકા ખાલી પડયા છે. હોસ્પિટલો ઘટાડીને 134 કરાઈ છે તેના 4747 બેડમાં માત્ર 484માં દર્દીઓ છે જો કે તેમાંથી વેન્ટીલેટર ઉપર 127 દર્દીઓ હજુ પણ છે. મ્યુનિ.ના 20 ટકા અનામત બેડમાં માત્ર 142 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 27000ની ઉપર પહોંચી ગયેલા એક્ટિવ કેસો ઘટીને 3584 થયા છે. મ્યુનિ. અને સરકારી હોસ્પિટલોના ઓક્સિજન- આઇસીયુ બેડ 5871 ખાલી થયા છે. અત્યંત ઘાતક લહેર બાદ લોકોએ રાહત ચોક્કસ અનુભવી છે, પણ આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, હજુ ય લોકોએ યોગ્ય રીતે અને સારી ક્વોલિટીના માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કડક રીતે કરવું પડશે.