Site icon Revoi.in

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટ્યો

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં જુનાગઢ મહાનગરપાલિકા અને 66 નગરપાલિકા સાથે ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પણ આગામી તા. 12મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટે ફોર્મ ભરવામાં ત્રણ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ટિકિટ મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ભાજપમાંથી 84 અને કોંગ્રેસમાંથી 60 મૂરતીયાઓ ટીકિટ માટે દાવેદારી કરી છે. કોને ટિકિટ મળશે તે તો બે દિવસમાં નક્કી થઈ જશે.

ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરી જંગ રહેવાની શક્યતા રહેલી છે. જોકે તાલુકા પંચાયતની ચૂંટણીમાં રાજકીય પક્ષોના કાર્યકરોને લડવામાં નિરસતા હોય તેમ હજુ સુધી ચૂંટણીલક્ષી રાજકીય રંગ જોવા મળતો નથી. ત્યારે હાલમાં ઉમેદવારી ફોર્મના વિતરણની વચ્ચે ભાજપમાંથી 84 અને કોંગ્રેસમાંથી 60 મૂરતીયાઓ ટીકિટ માટે દાવેદારી કરી છે.

ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી બે વર્ષના લાંબા વિરામ બાદ યોજાઇ રહી હોવાથી રાજકીય રંગ જામશે તેમ લાગી રહ્યું હતું. પરંતું ગાંધીનગર તાલુકા પંચાયતની ગત ટર્મમાં જેવો રાજકીય માહોલ ચાલુ વર્ષે યોજનારી ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં જોવા મળતો નથી. અગાઉ તાલુકા, જિલ્લા સહિતની ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને ધારાસભ્ય કે સંસદસભ્યની ટીકિટ રાજકીય પક્ષો આપતા હતા. પરંતું વર્તમાન સમયમાં તેવી કોઇ જ પ્રકારની કામગીરી જોવાને બદલે ચૂંટણી જીતવા માટે ઉમેદવાર સામ, દામ, દંડ અને ભેદ રીતે સક્ષમ હોય તેવા ઉમેદવારની પસંદગી રાજકીય પક્ષો કરતા હોય છે. આથી સરપંચ, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં વન સાઇડ જીતેલા ઉમેદવારની કારકિર્દી જિલ્લા પંચાયતના સદસ્ય સુધી સિમિત થઇ જવાના અનેક કિસ્સાઓ બની રહ્યા હોવાનું રાજકીય તજજ્ઞોએ જણાવ્યું છે. તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરીશું તેવો દાવો ભાજપ અને કોંગ્રેસ બન્ને રાજકીય પક્ષો કરી રહ્યા છે.