
ગુજરાતમાં વીજ કંપનીએ મોટાપાયે વીજ ચોરી ઝડપી લેવા શરૂ કર્યું અભિયાનઃ 13.06 કરોડની ચોરી પકડાઈ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ કંપની દ્વારા વીજ ચોરીને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન 339 સ્કવોડે જુલાઇથી ડિસેમ્બરમાં ચારેય ડિસ્કોમ કંપનીના રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારના કુલ 6,064 વિજ કનેક્શન તપાસ્યા હતા. જે પૈકી 1,172 કનેક્શનના ચેકિંગમાં રૂ.13.06 કરોડની વિજ ચોરી પકડાઈ હતી. સૌથી વધુ પીજીવીસીએલમાં વીજચોરી પકડાઈ છે. દરમિયાન પોરબંદરમાં ગેરકાયદે વિજ જોડાણ આપતું ખાનગી ટ્રાન્સફોર્મર પકડાયું હતું. વીજ કંપની આગામી દિવસોમાં વીજ ચોરી ઝુંબેશને વધારે વેગવંતુ બનાવવામાં આવશે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.ના વિજિલન્સ સ્કવોડ દ્વારા મધ્ય, દક્ષિણ તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચેકિંગની ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. વડોદરા, ગોધરા, ભરૂચ, આણંદ, દાહોદ, સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, અમેરલી, કચ્છ-ભુજ, પોરબંદર, મહેસાણા, વલસાડ, સુરેન્દ્રનગર, નલિયા, સફેદ રણ વિસ્તાર ગીર અને પાલનપુરમાં ચેકિંગ કરાયું હતું. વિજિલન્સની વિશેષ ઝુંબેશમાં ઔદ્યોગિક અને વાણીજ્ય હેતુના 200થી વધુ વિજ જોડાણોમાં પણ વિજ ચોરી પકડાઈ હતી. વિજિલન્સની ટીમે 6,064 વિજ કનેક્શનો પૈકી 1,172માં રૂ.13.06 કરોડની ચોરી પકડી હતી.
પીજીવીસીએલએ રૂ.7.34 કરોડ, એમજીવીસીએલએ રૂ.2.45 કરોડ, ડીજીવીએલએ રૂ.1.68 કરોડ અને યુજીવીસીએલએ રૂ.1.58 કરોડની વીજ ચોરી ઝડપી લીધી હતી. રાજ્યમાં વીજ કંપનીએ 16 પોલીસ સ્ટેશનના સ્ટાફના બંદોબસ્ત સાથે વીજ ચેકિંગ ઝુંબેશ ચાલુ કરી છે. હોટલો, રિસોર્ટ અને ઔદ્યોગિક એકમો સહિત સ્થળે ચેકિંગમાં મોટા પાયે વિજ ચોરી પકડાઈ છે. આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે.