Site icon Revoi.in

ગુજરાતમાં તમામ પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં કરાયો અઢી ગણો વધારો

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારે તમામ મંત્રીઓ યાને પ્રધાનોના પ્રવાસ ભથ્થામાં અઢીગણો વધારો કર્યો છે. પ્રવાસ ભથ્થામાં 8મી નવેમ્બરથી વધારો મંજુર કરાતા મંત્રીઓને આવતા મહિનાના પગારમાં તફાવતની કરમ ચુકવી દેવામાં આવશે. મંત્રીઓને તમામ શહેરોની કેટેગરી મુજબ પ્રવાસ ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા એક હુકમ કરીને રાજ્ય સરકારના તમામ મંત્રીઓના પ્રવાસ દરમિયાન રોકાણ અને ભોજન માટે મળતા ભથ્થાંમાં લગભગ અઢીગણો વધારો કર્યો છે. મંત્રીઓ જે શહેરમાં રોકાવાના હોય તેની કક્ષા પ્રમાણે ભથ્થાંમાં વધારો કરાયો છે. આ વધારો ગયા વર્ષના 8 નવેમ્બરથી મંજૂર કરાયો હોવાથી મંત્રીઓએ તે દિવસથી આજ સુધી જે પ્રવાસ કર્યો હશે તેના ભથ્થાંમાં એરિયર્સની ગણતરી કરી તફાવતની રકમ પણ આવતા મહિનાના તેમના પગારમાં ચુકવણી કરવામાં આવશે.

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગના  હુકમ અનુસાર મંત્રીઓના પ્રવાસ ભથ્થામાં જે વધારો કરાયો છે જેમાં એક્સ કેટેગરીના શહેરોમાં 1 હજારને બદલે 2600, વાય કેટેગરીના શહેરમાં 800ને બદલે 2100 જ્યારે ઝેડ કેટેગરીના શહેરમાં 500ને બદલે 1300 રૂપિયા ભાડું દૈનિક હિસાબ પ્રમાણે આપવામાં આવશે. આ નિર્ણયથી મંત્રીઓમાં ખૂશી જોવા મળી રહી છે.

રાજ્ય સરકારના મંત્રીઓ આગામી 12મી માર્ચે ભાજપના ધારાસભ્યો સાથે રંગેચંગે હોળીની ઉજવણી કરશે. સરકારે વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્યો માટે સંકુલમાં હોળીના તહેવારની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. ભોજન અને સંગીત સાથે ભવ્ય કાર્યક્રમ સચિવાલય સંકુલમાં વિધાનસભાની બહાર આવેલા મેદાનમાં યોજાશે. આવો કાર્યક્રમ સરકારે ગયા વર્ષે પણ  યોજ્યો હતો.