
અમદાવાદઃ માનવ સેવા એ જ સાચી પ્રભુ સેવા એવા મંત્રને રાજકોટ નજીક આવેલા જેતપુરના જેસુરભાઈ અને તેમના પરિવારજનોએ જીવનમાં ઉતાર્યો છે. કોરોના મહામારીને પગલે હાલ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત છે ત્યારે તેમણે પોતોના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવી નાખ્યું છે. એટલું જ નહીં દર્દીઓની સારવાર અને ઓક્સિજન પુરો પાડવા ઉપરાંત તમના સગા-સંબંધીઓની રહેવા-જમવાની વ્યવસ્થા કરીને અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો છે.
કોરોના મહામારીમાં તંત્ર પણ વામણુ પુરવાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હવે સામાજીક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવી રહ્યાં છે અને કોરોના પીડિતો અને તેમના પરિવારજનોની સેવા કરી રહ્યાં છે. રાજકોટના જેતપુર ગામમાં ખેડૂત જેસુરભાઈએ પોતાના ઘરને જ કોવિડ સેન્ટરમાં ફેરવીને પીડિતોની સારવાર શરૂ કરી છે. જેસુરભાઈ વાળાના 3 માળના મકાનમાં પાર્કિંગ અને પ્રથમ માળે કોરોના પીડિતોની સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે કોરોના પીડિત દર્દીઓના રહેવા માટે મકાનના બીજા માળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડ ન મળતા દર દર ભટકતા કોરોનાના દર્દીઓને તેઓ પોતાના ઘરમાં સાચવી રહ્યા છે. હાલ અહીં 15થી વધારે દર્દીઓને ઓક્સિજન પુરો પાડવામાં આવી રહ્યો છે. મકાનના ત્રીજા માળે ખેડૂત અને તેમનો પરિવાર વસવાટ કરે છે.
ખેડૂતના પિતરાઈ ભાઈ બાઘાએ તેમને ફોન કરીને ઓક્સિજનના બાટલાની મદદ માગી હતી. જેથી ખેડૂત જેસુરભાઈ અને તેમના મિત્ર બાટલા માટે વિવિધ જગ્યાએ ફર્યાં પરંતુ ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા થઈ ન હતી. જેથી અંતે તેમણે પોતાના ગુરૂ ઈન્દ્રભારતી બાપુનો સંપર્ક કર્યો હતો. ત્યારે બાપુએ તેમને કોરોના પીડિતોની સેવા માટે સૂચન કર્યું હતું. જેથી તેમણે પ્રથમ નોરતેથી કોરોના પીડિતોની સેવાના યજ્ઞનો પ્રારંભ કર્યો હતો. તેમજ મિત્ર જગાભાઈની મદદથી ઓક્સિજનના બાટલાની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં તબીબ માટે ઓક્સિજન સિલેન્ડરના ઉપયોગ અંગે માર્ગદર્શન મળવીને પોતાના ઘરમાં જ પીડિતોની સેવા શરૂ કરી હતી.
ખેડૂત જ નહીં તેમનો પરિવાર પણ પીડિતોની સેવા માટે ખડેપગ રહે છે અને કોરોના પીડિતો અને તેમના પરિવારજનોના જમવાની વ્યવસ્થા કરે છે. આમ અહીં અત્યાર સુધીને 65 દર્દીઓની વાળા પરિવારે સેવા કરી છે. જે પૈકી 63 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. આ સેવાયજ્ઞમાં જેસુરભાઈ અને તેમના પરિવારજનો સાથે હવે મિત્રો પણ જોડાયાં છે. હવે માત્ર આસપાસ જ નહિ દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ સહિતના જિલ્લાઓમાંથી દર્દીઓ અહિં ઓક્સિજનની સારવાર લેવા આવે છે. અહીં તમામ દર્દી ને 24 કલાક ઓક્સિઝન મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે.