
કર્ણાટકમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરીને અભ્યાસ કરી શકે તેવી સ્કૂલો ખોલવાની મંજૂરી મંગાઈ
નવી દિલ્હીઃ કર્ણાટકમાં હિજાબનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો છે. હવે એક અલગ શાળા ખોલવાને લઈને એક નવો મામલો સામે આવ્યો છે જેમાં હિજાબ પહેરીને વર્ગો ચલાવવાની છૂટ માંગવામાં આવી હતી. દરમિયાન રાજ્ય સરકારે કર્ણાટક વક્ફ બોર્ડના જુદા જુદા જિલ્લાઓમાં મુસ્લિમ છોકરીઓ માટે 10 શાળાઓ ખોલવાના પ્રસ્તાવને પણ નકારી કાઢ્યો છે. રાજ્યના વક્ફ અને ધાર્મિક બાબતોના પ્રધાન શશિકલા જોલે આ બાબતથી પોતાને દૂર રાખતા કહ્યું કે તેમને આ પ્રસ્તાવની કોઈ જાણકારી નથી. મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી નથી અને તેઓ આવા પ્રસ્તાવના પક્ષમાં નથી.
સુત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટકના તટીય જિલ્લા ઉડુપીમાં હિજાબ વિવાદ બાદ મુસ્લિમ છોકરીઓ માટે એક અલગ સ્કૂલ ખોલવાની તૈયારી ચાલી રહી હતી, જ્યાં સ્કૂલ પ્રશાસન છોકરીઓને હિજાબ પહેરીને સ્કૂલમાં આવવાની પરવાનગી અપાશે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટે પણ શાળા પ્રશાસનના ડ્રેસ કોડ સંબંધિત મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી ઘણા મુસ્લિમ સંગઠનોએ છોકરીઓ માટે અલગ સ્કૂલ શરૂ કરવાની માંગ શરૂ કરી.
આ મામલાને ગંભીરતાથી લઈને વક્ફ બોર્ડે મુસ્લિમ છોકરીઓ માટે અલગ સ્કૂલ બનાવવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો હતો. વક્ફ બોર્ડના અધ્યક્ષ મુહમ્મદ શફી સાદીએ મેંગ્લોર, કોગડુ, ચિકમગલુર, વિજયપુરા, બેલાગવી, ઉડુપી, શિવમોગા, રાયચુર, કોપ્પલ અને કાલાબુર્ગીમાં શાળાઓ ખોલવાની તૈયારી કરી હતી. તેમણે કહ્યું કે તેમને શાળા ખોલવા માટે ઘણી સંસ્થાઓ તરફથી દરખાસ્તો મળી છે. જેમાં બિનમુસ્લિમ વિદ્યાર્થિનીઓ પણ અભ્યાસ કરી શકશે. આ નિવેદનનો સ્થાનિક હિન્દુ સંગઠનોનો વિરોધ નોંધાવ્યો હતો.