Site icon Revoi.in

ઊના તાલુકાના કોબ ગામે દારૂડિયા બે શખસોએ ઘરમાં ઘૂંસીને મહિલાને છરીના ઘા માર્યા

Social Share

ઊનાઃ ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસીને બે શખસે દારૂના નશામાં છરીના આઠ ઘા માર્યાની ચકચારી ઘટના સામે આવી છે. મહિલા અને તેમની પુત્રી દીવથી ઘરે પરત ફરી રહ્યાં હતાં, તે દરમિયાન રસ્તામાં આ બન્ને શખસોએ બીભત્સ શબ્દો કહેતા મહિલા સાથે બોલાચાલી કરી હતી. આ ઝઘડાથી ઉશ્કેરાઈને બન્ને શખસો મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને મહિલાની દીકરીની નજર સામે જ ઝપાઝપી કરી હતી. જેમાં એક શખસે છરી કાઢી મહિલાને આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાથી મહિલા લોહીલુહાણ થઈ જતાં 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે,  ઊનાના નવાબંદર મરીન પોલીસ મથક વિસ્તારમાં. કોબ ગામે રહેતા લછુબેન રમેશભાઇ બાંભણિયા તેની દીકરી દીવના ડગાચીથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કોબ ગામમાં જ રહેતા હાર્દિક બારિયા અને અક્ષય બાંભણિયા નામના બે શખસો પોતાનું બાઇક લઇ નીકળ્યા હતા. ત્યારે લછુબેન સાથે બોલાચાલી થતા બંને શખસો ઉશ્કેરાઈ જઈ લછુબેનને બીભત્સ શબ્દો કહ્યા હતા અને ત્યાંથી બાઇક પર દિવ તરફ નિકળી ગયા હતા. જે બાદ આ બંને શખસો દીવ જઈ દારૂ પીને પરત આવી લછુબેન અને તેમની દીકરી ઘરે એકલાં હતાં તે દરમિયાન અચાનક ઘરમાં ઘૂસી જઈ ઝપાઝપી કરી હતી. જ્યાં હાર્દિક બારિયા અને અક્ષય બાંભણિયામાંથી એક યુવકે મહિલાને દબોચી રાખી હતી અને બીજાએ છરી કાઢીને આડેધડ પીઠ, ચહેરા અને માથાના ભાગે 8 જેટલા ઘા ઝીંકી દીધા હતા. આ ઘટના સમયે ઘરમાં રહેલી દીકરીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવતા બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલાથી લોહીલુહાણ થયેલાં લછુબેન ઘરમાંથી ધીમેધીમે બહાર આવ્યા બાદ ઢળી પડ્યાં હતાં. આ હુમલાની સમગ્ર ઘટના લછુબેનની દીકરીએ પોતાના મોબાઈલમાં કેદ કરી હતી. આ બનાવની લોકોએ 108ને જાણ કરતાં લોહીલુહાણ હાલતમાં પડેલી મહિલાને તાત્કાલિક ઉનાની ખાનગી સંસ્થાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ નવાબંદર મરીન પોલીસને થતાં પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્ત મહિલાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી.

આ બાબતે મહિલાની પુત્રીના કહેવા મુજબ  બન્ને યુવક સાથે ઘણા સમયથી મનદુઃખ ચાલતું હોવાથી આ પહેલાં પણ તેની માતા પર હુમલો કરી લોખંડનાં સળિયા મારી ઈજા કરી હતી. તે બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસ દ્વારા નક્કર કાર્યવાહી નહીં થતી હોવાના કારણે આ બન્ને યુવાનો હેરાનગતિ કરીને જીવલેણ હુમલા વારંવાર કરતાં હતા. તથા બન્ને આરોપી દારૂના નશામાં ઘર સુઘી પહોંચી જતા હતા.

Exit mobile version