
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં સાંજના સમયે એસઆરપીનો એક જવાન ચેઇન સ્નેચિંગ કરતાં ઝડપાયો છે. નરોડા પોલીસ સ્ટેશનની નજીકથી મહિલા ચાલતી જતી હતી ત્યારે SRP ગ્રુપમાં ફરજ બજાવતો જવાન બાઈક લઈ અને મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી ભાગતો હતો. દરમિયાન મહિલાએ બૂમાબૂમ કરતા સામેથી એક પોલીસ કર્મચારી બાઈક લઈને આવીને આરોપીનો પીછો કરીને આરોપીના બાઈક સામે બાઈક ઊભું રાખતા એસઆરપીનો જવાન નીચે પડી ગયો હતો અને ઊભો થઈને ભાગવા જતા રાહદારીઓએ તેને પકડી લીધો હતો. ત્યારબાદ પોલીસને જાણ કરતા નરોડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ચેઇન સ્નેચિંગ યુવક પોતે એસઆરપીનો કર્મચારી હોવાનું જણાવ્યું હતું.
સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે. કે, શહેરના નરોડા ગામના પ્રજાપતિ વાસમાં રહેતા હંસાબેન પ્રજાપતિ સુમારે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ નરોડા પોલીસ સ્ટેશનની પાસે આવેલી રાજચંદ્ર સોસાયટી પાસેથી ચાલતા પસાર થતા હતા. તે દરમિયાન બાઇક લઈને એક શખસ આવ્યો હતો અને તેણે હંસાબેનના ગળામાં રહેલી ચેઈન ઝુંટવી લીધી હતી. દરમિયાન હંસાબેને બૂમાબૂબ કરી હતી.ત્યારે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ગંભીરસિંહ નામના પોલીસ કર્મચારી સામેથી બાઈક લઈ જતા હતા. તેમણે ત્વરિત ચેઈન સ્નેચરનો પીછો કરીને આરોપી સામે બાઈક ઊભું રાખી દીધું, જેથી ચેઇન સ્નેચર નીચે પડી ગયો હતો અને ઉભો થઈ ભાગવા લાગ્યો હતો. તેથી બૂમાબૂમ થતા ત્યાંથી પસાર થતાં અન્ય રાહદારીઓએ આ ચોરને ઝડપી લીધો હતો લોકો ભેગા થઈ ગયા હતા. આ બનાવની પોલીસ કર્મચારીએ નરોડા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. પોલીસે પૂછપરછ કરતા તેનું નામ અમિત કુમાર પરમાર બાલીસણા હિંમતનગર હોવાનું જણાવ્યું હતું, તે મહિલાનું ચેઇન સ્નેચિંગ કરીને જતો હતો પરંતુ, રાહદારીઓએ તેને ઝડપી લીધો હતો અને હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી અને એસઆરપી જવાનની ધરપકડ કરી છે.