Site icon Revoi.in

નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિએ ગુજરાતને જળ વ્યવસ્થાપન ક્ષેત્રે એવાર્ડ એનાયત કર્યો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના ખૂણે- ખૂણે શુદ્ધ પાણી પહોચાડવું એ ગુજરાત સરકારની હંમેશા પ્રાથમિકતા રહી છે. જેના પરિણામે આજે નવી દિલ્હી ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં ભારતના રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાત અને પુડ્ડુચેરીને ઉત્તમ રાજ્ય કેટેગરીમાં દેશમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરવા બદલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવ સમાન છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને જળ સંપત્તિ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયા તેમજ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ‘જળ હી જીવન હૈ’ના મંત્રને સાચા અર્થમાં સાકાર કર્યો છે.

આ એવાર્ડ માટે કેન્દ્રીય જળ આયોગ અને ભૂજળ બોર્ડ દ્વારા સૂચિત મૂલ્યાંકન અને ધરાતલીય ચકાસણી બાદ ઉત્તમ રાજ્ય કેટેગરીમાં ઓડિશા પ્રથમ, ઉત્તરપ્રદેશ બીજું તેમજ ગુજરાત અને પુડ્ડુચેરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે.

આજે નવી દિલ્હી ખાતે યોજાયેલા ‘રાષ્ટ્રીય જળ પુરસ્કાર- એવાર્ડ’ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ  દ્રૌપદી મુર્મુના હસ્તે તેમજ કેન્દ્રિય જળ શક્તિ મંત્રી  સી.આર. પાટિલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના જળ સંપત્તિ વિભાગના સચિવ  પી. સી. વ્યાસ એ આ એવાર્ડ સ્વીકાર્યો હતો.

તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દિશાદર્શનમાં ગુજરાતે જળ વ્યવસ્થાપન ક્ષેત્રે અનેકવિધ નવીન સફળ પ્રકલ્પો હાથ ધર્યા છે. જેમાં સુજલામ- સુફલામ જળ અભિયાન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં 5000થી વધુ જળ સંરક્ષણ અને રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ લાગુ કરવામાં આવ્યાં છે. સાથોસાથ જળ સંરક્ષણના વિવિધ કાર્યક્રમો માટે અંદાજે રૂ. 800 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ જળ સિંચાઈ ક્ષમતામાં વધારો કરવા 2.8  લાખ હેક્ટર કૃષિ ભૂમિમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જ્યારે PMKSY હેઠળ ટપક અને ફુવારા સિંચાઈ પદ્ધતિ માટે અંદાજે રૂ. 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. PMKSY તેમજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ કરાયેલી પહેલો થકી પાણીના વપરાશમાં 20 ટકા જેટલો ઘટાડો થયો અને કૃષિ ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આમ, ગુજરાત સમગ્ર દેશમાં જળ સંપત્તિ ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં અગ્રેસર છે. આ પ્રયાસોએ જળ સંરક્ષણ, પુરવઠા વ્યવસ્થાપન અને કૃષિ ઉત્પાદકતામાં નોંધપાત્ર સુધારો કર્યો છે, તેના પરિણામે ગુજરાત રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં મોખરાનું પ્રદર્શન કરનાર રાજ્ય બન્યું છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં જણાવાયું છે.

Exit mobile version