- બચાવવા માટે વચ્ચે પડેલા સાસુ પણ દાઝી ગયા,
- પતિ-પત્ની અને સાસુને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા,
- યુવક-યુતીએ કોર્ટ મેરેજ કર્યા બાદ બન્ને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા હતા,
દ્વારકાઃ ઓખામાં નવપરણિત યુવકે લગ્નજીવનમાં ચાલી રહેલા ઉગ્ર કલહ અને વિખવાદને કારણે ગુસ્સે ભરાઈને પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી અને બાદમાં તેની પત્નીને બાથ ભરી લીધી હતી. આ ઘટનામાં પતિ-પત્ની બંને ગંભીર રીતે દાઝી ગયા હતા, જ્યારે તેમને બચાવવા દોડી આવેલી યુવતીની માતા પણ આગની ઝપેટમાં આવતા દાઝી ગઈ હતી. દાઝી ગયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, એક યુવકને યુવતી સાથે પ્રેમ થતા આજથી ત્રણ મહિના પહેલા યુવક-યુવતીએ કોર્ટ મેરેજ કર્યા હતા, ત્યારબાદ બન્ને પતિ-પત્ની વચ્ચે ઝગડાઓ થવા લાગ્યા હતા. ઝગડાથી કંટાળી ગયેલી યુવતી તેના પતિને છોડીને પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. યુવતી તેની માતાની સાથે પિયરમાં રહેતી હતી. દરમિયાન પત્નીનો વિરહ સહન ન થતા પત્નીને પરત બોલાવાવા ફોન કરીને અવાર-નવાર સમજાવતો હતો. પણ યુવતીને પતિ સાથે રહેવાની ના પાડી દીધી હતી. આ વાતનું દુ:ખ રાખીને રોષે ભરાયેલો તેનો પતિ તેના સાસરે એટલે કે યુવતીના ઘરે પહોંચ્યો હતો અને શરૂઆતમાં સામાન્ય બોલાચાલી બાદ ઉગ્ર ઝઘડો થયો હતો. દરમિયાન ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, આ યુવકે તેની પત્નીની નજર સામે જ પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ઝઘડાના દરમિયાન ગુસ્સે ભરાયેલા યુવકે અચાનક પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી અને પત્નીને વળગી પડ્યો હતો. જેથી થોડીક જ ક્ષણોમાં બંને સળગવા લાગ્યા હતા. આ દૃશ્ય જોઈને યુવતીની માતા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી, ત્યારે તે પણ આગનો ભોગ બની અને ગંભીર રીતે દાઝી હતી. દાઢી ગયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

