1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના પુણામાં મચ્છરોના ત્રાસ સામે લોકોએ મચ્છરદાની પહેરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો
સુરતના પુણામાં મચ્છરોના ત્રાસ સામે  લોકોએ મચ્છરદાની પહેરી તંત્ર સામે  વિરોધ નોંધાવ્યો

સુરતના પુણામાં મચ્છરોના ત્રાસ સામે લોકોએ મચ્છરદાની પહેરી તંત્ર સામે વિરોધ નોંધાવ્યો

0
Social Share

સુરતઃ શહેરમાં પુણા વિસ્તારમાં ઈશ્વર નગર સોસાયટી વિભાગ-2 બાપા સીતારામની મઢુંલી પુણાગામના રહીશોએ  આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ખાડીના કારણે પુણા વિસ્તારમાં 15થી 20 જેટલી સોસાયટીઓ ગંદકીથી દુર્ગંધને કારણે ત્રસ્ત થઈ ગઈ છે. અને આ વિસ્તારમાં મચ્છરોના ઉપદ્રવે લોકોની ઊંઘ હરામ કરી નાંખી છે. પુણા ગામના રહિશો  મચ્છરદાની પહેરીને ઘરની બહાર ફરતા દેખાતાં સમગ્ર વિસ્તારમાં આશ્ચર્ય ફેલાયું હતું. સ્થાનિક રહીશો આ પ્રકારે મચ્છરદાની પહેરીને બહાર નીકળતા પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવ્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના પુણા વિસ્તારમાં ઈશ્વર નગર સોસાયટી વિભાગ-2 બાપા સીતારામની મઢુંલી પુણાગામના રહીશોએ  આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. ખાડીના કારણે પુણા વિસ્તારમાં 15થી 20 જેટલી સોસાયટીઓ ગંદકીથી દુર્ગંધને કારણે ત્રસ્ત થઈ ગઈ છે. સ્થાનિક સોસાયટીના લોકો દ્વારા લેખિત અને મૌખિક વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કે ખાડીના કારણે તેમની આસપાસના વિસ્તારોમાં અને સોસાયટીઓમાં મચ્છરોનો ભયંકર ત્રાસ જોવા મળી રહ્યો છે, તેના કારણે આરોગ્યને પણ નુકસાન થાય તેવી ભિતી સેવાઇ રહી છે. મચ્છરજન્ય રોગો બાળકોમાં અને વડીલોમાં જોવા મળે તેવી સ્થિતિ થતા સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરાયા બાદ પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર આપવામાં આવ્યો નહીં. મચ્છર દૂર થાય તેવા કોઈપણ પ્રકારના પગલા શાસકો દ્વારા લેવાયા નથી તેમજ અધિકારીઓ પણ ઉડાઉ જવાબ આપી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. દરમિયાન વરાછા ઝોનના અધિકારીએ જણાવ્યું કે હાલ જે પ્રકારની મોસમ છે તેને કારણે મચ્છરોનો ઉપદ્રવ થોડો વધી જતો હોય છે જે ખાડી નો ખુલ્લો ભાગ છે તેના કારણે આ વિસ્તારની અંદર મચ્છરોથી લોકો હેરાન થતાં હોય છે. મ્યુનિ. દ્વારા મચ્છરો વધુ ન ફેલાય તેના માટે ફોંગીંગ તેમજ જંતુનાશક દવાઓ છંટકાવ કરવામાં આવતો હોય છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જરૂરી છે. જેથી મચ્છર સામે તમે સુરક્ષિત રહી શકો. પરંતુ તેને ખોટા અર્થમાં સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ નેતા દિનેશ સાવલીયા જણાવ્યું કે ખાડીનો પ્રશ્નો ઘણા સમયથી છે છતાં પણ શાસક પક્ષ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ નિષ્ક્રિય રહે છે. જેને કારણે આજે અમે સ્થાનિક લોકો દ્વારા મચ્છરદાની પહેરીને બહાર નીકળ્યા છીએ. અને હનુમાન ચાલીસા અને રામધૂન બોલાવીને શાસકોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને સદબુદ્ધિ આપે તેના માટે પ્રાર્થના કરવાના છે. ખુલ્લી ખાડીના કારણે સ્થાનિક લોકો હંમેશા ત્રસ્ત રહે છે પરંતુ તેમના આરોગ્યની જાણે કોઈ ચિંતા ન હોય તે રીતે શાસકો વ્યવહાર કરી રહ્યા છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code