Site icon Revoi.in

રાજકોટમાં નબીરાઓએ ચાલુ કારે સુતળી બોમ્બ સળગાવી બારીમાંથી ફેંક્યા

Social Share

રાજકોટઃ શહેરના માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનગર અન્ડર બ્રિજ નજીક જાહેર રોડ પર રાતના સમયે પુરફાટ ઝડપે કાર દોડાવીને કારની બારીમાંથી સુતળી બોમ્બ ફેંકીને કારમાં સવાર યુવાનો રિલ બનાવતા હતા. કારમાં સવાર યુવાનોની આ હરકતથી રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ભયભીત બન્યા હતા. દરમિયાન યુવાનોએ ઈન્સ્ટ્રાગ્રામ પર મુકીને વાયરલ પણ કરી હતી. આ જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ માલવિયા નગર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને આ નબીરાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ કરી છે.

રાજકોટ શહેરમાં દિવાળીના તહેવાર પર જાહેર રોડ રસ્તા પર બીજા લોકોને અડચણરૂપ બને તે રીતે ફટાકડા ન ફોડવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આમ છતાં નબીરાઓ બેફામ બની જાહેર રોડ રસ્તા પર ફટાકડા ફોડી પોતાની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મુકતા નજરે પડ્યા હતા. સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયોમાં નબીરાઓએ બેફામ બની જાહેર રોડ રસ્તાને બાનમાં લીધો હોય તેમ ફટાકડા ફોડતા નજરે પડ્યા હતા. એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોતાના એકાઉન્ટમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તે કાર રાજકોટના લક્ષ્મીનગર અન્ડરબ્રિજમાંથી પસાર થઇ રહી હતી. તે દરમિયાન બ્રિજમાં અંદર પહોંચતા સમયે કારમાં આગળ ડ્રાઇવરની બાજુની સીટ પર બેઠેલા યુવાને પોતાના હાથમાં સુતળી બોમ્બ સળગાવી બારીમાંથી બહાર ફેંક્યો. આ પછી ફરી બીજી વખત બીજો એક બોમ્બ હાથમાં લઇ સળગાવી કારચાલક પાસે લઇ જઈ તેની સાથે મજાક કરી ફરી બારીમાંથી બહાર બોમ્બ બહાર ફેંક્યો હતો. કારમાં સવાર યુવાનો રીલ્સ બનાવવાની ઘેલછામાં પોતાનો જીવ જોખમમાં મૂકી જ રહ્યા હતા, પણ જાહેરમાં ફટાકડા ફોડી તેમની સાથે અન્યોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા. હાલ આ નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા પોલીસે વીડિયો આધારે તપાસ શરૂ કરી નબીરાઓ સામે કાર્યવાહી કરવા તજવી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં અવારનવાર ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવવાના ચક્કરમાં યુવાનો ગુનો આચરી કાયદો હાથમાં લેતા હોય તેવા વીડિયો સામે આવતા જ રહેતા હોય છે જેની સામે કડક કર્યવાહી કરવી જરૂરી બની છે.