સુરત, તા. 25 ડિસેમ્બર 2025: middle-aged man who fell from 10th floor gets trapped on 8th floor શહેરમાં રાંદેરમાં આવેલા જહાંગીરાબાદ વિસ્તારમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગના 10માં માળે કાચની વિન્ડો પાસે સુતા હતા ત્યારે 57 વર્ષીય આધેડ અચાનક નીચે પટકાતા 8મા માળની બારીની જાળી અને છજ્જા વચ્ચે ફસાઈ ગયા હતા. મોત અને જિંદગી વચ્ચે એક કલાક સુધી ઝૂલી રહેલા આ આધેડને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે જે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, અને ભારે જહેમત બાદ વૃદ્ધને બચાવી લેવાયા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના રાંદેર ઝોનના જહાંગીરાબાદ ડી-માર્ટ પાસે આવેલા ‘ટાઈમ ગેલેક્સી’ બિલ્ડિંગના A બ્લોકમાં 10માં માળે રહેતા નિતિનભાઈ અડીયા (ઉંમર આશરે 57 વર્ષ) પોતાના ઘરની કાચની વિન્ડો પાસે સૂતા હતા. દરમિયાન અચાનક કોઈ કારણસર વિન્ડોનું શટર્સ ખૂલતા નીચે પડી ગયા હતા. સદનસીબે તેઓ સીધા જમીન પર પટકાવાને બદલે 8મા માળે આવેલી વિન્ડોની બહારની જાળી અને છજ્જાના ભાગે અટકી ગયા હતા. તેમનો પગ ગ્રીલમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો અને તેઓ હવામાં લટકી રહ્યા હતા.આ બનાવને લીધે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા જ પરિસ્થિતિની ગંભીરતાને પારખીને ત્રણ ફાયર સ્ટેશન જહાંગીરપુરા, પાલનપુર અને અડાજણની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને તરત જ ડબલ પ્રોટેક્શન પ્લાન સાથે કામગીરી શરૂ કરી હતી. સૌપ્રથમ સાવચેતીના ભાગરૂપે નીચે જમીન પર ફાયરના જવાનોએ સેફ્ટી નેટ (જાળી) પકડી રાખી હતી, જેથી જો વ્યક્તિ ઉપરથી સરી પડે તો તેમનો જીવ બચાવી શકાય.
ફાયરના જવાનો આઠમા માળે ફસાયેલા આધેડનું રેસ્ક્યુ કરવા માટે 10મા માળે અને 8મા માળે પહોંચ્યા હતા. 10મા માળેથી રોપ (દોરડું) અને સેફ્ટી બેલ્ટ વડે નિતિનભાઈને સુરક્ષિત બાંધવામાં આવ્યા હતા. નીતિનભાઇનો પગ 8મા માળની ગ્રીલમાં ફસાયેલો હોવાથી ફાયર જવાનોએ હાઈડ્રોલિક કટર અને સાધનો વડે જાળી કાપીને તેમને મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી. આશરે એક કલાક સુધી ચાલેલી આ મહામહેનત અને ફાયર જવાનોની સમયસૂચકતાના અંતે નિતિનભાઈને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને સુરક્ષિત રીતે અંદર ખેંચી લેવાયા હતા. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્કયૂ બાદ તુરંત જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની ગુરુકૃપા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

