સુરત તા. 25 ડિસેમ્બર 2025: a woman jumped from the 14th floor with her 5-year-old son શહેરના અલથાણા ખટોદરાના ભટાર વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના બહુમાળી બિલ્ડિંગના 14માં માળેથી મહિલાએ તેના 5 વર્ષીય પૂત્રને લઈને છલાંગ લગાવતા બન્ને માતા-પૂત્ર નીચે પાર્ક કરેલી કાર પર પટકાયા હતા. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હાલ હોસ્પિટલમાં મહિલાની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ચકચારી બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત મોતનો ગુનો નોંધી, મહિલાએ કયા કારણસર આટલું આત્મઘાતી પગલું ભર્યું એ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખટોદરાના ભટાર વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના બિલ્ડિંગના 14મી માળેથી એક મહિલા પોતાના 5 વર્ષના પુત્ર સાથે નીચે પટકાઈ હતી. જેથી ભારે ઊંચાઈ પરથી પડતા બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જ્યારે મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.
મહિલાએ 14મા માળેથી પોતાના પાંચ વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી, ત્યારે તે નીચે પાર્ક કરેલી એક કાળા રંગની કાર પર પટકાઈ હતી. મહિલા કારના પાછળના ભાગે પડતાં કારનો કાચ સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને પાછળનો ભાગ દબાઈ ગયો હતો. કારની પાસે જ મહિલા લોહીલુહાણ હાલતમાં પટકાઈ હતી, જેના કારણે આ ગમખ્વાર ઘટનામાં કારને પણ ભારે નુકસાન થયું હતું. આ ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.
અલથાણ પીઆઈ ભાવેશ રબારીએ જણાવ્યું હતું કે આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ સુમન અમૃત આવાસ છે, જે ભટાર ચોકી વિસ્તારમાં લાગે છે, ત્યાં એક આશરે 30 વર્ષની મહિલા છે, જે પોતાના બાળકને લઈને 14મા માળેથી કૂદકો મારે છે. આ ઘટનામાં બાળકનું જગ્યા ઉપર જ અવસાન થયેલું છે અને બેનની કન્ડિશન થોડી ક્રિટિકલ છે. હાલ સારવાર અર્થે સિવિલ માટે લાવેલાં છે.
પ્રાથમિક તપાસ દરમિયાન મહિલા આવાસની ના હોવાનું જાણવા મળે છે. મહિલા કોણ છે, ક્યાંથી આવી અને આ બનાવ કઈ રીતે બન્યો છે એ અંગે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક રીતે તો બનાવમાં મહિલા તેના માસુમ પૂત્ર સાથે આત્મહત્યા કરવા માટે 14મા માળેથી છલાંગ લગાવી હોય એવું જણાઈ આવે છે છતાં પણ પોલીસ સીસીટીવી ફૂટેજ અને બીજા ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરી રહી છે. બાળકની ઉંમર આશરે 5 વર્ષની આસપાસ છે.

