સુરત, 20 જાન્યુઆરી 2026: શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક બનાવમાં પૂણા ગામ વિસ્તારમાં રોડ સાઈડ પર પાર્ક કરેલી કારને ટક્કર મારીને કારચાલક કાર સાથે નાસી ગયો હતો. શહેરના પુણા ગામ વિસ્તારમાં સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઊભેલી કારને એવી જોરદાર ટક્કર મારતા પાર્ક કરેલી કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પુણા ગામમાં રહેતા અને વેસુની સી.સી. રવિશંકર વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતી પોતાના મિત્રની સફેદ કલરની સેલેરિયો કાર (GJ-19-BR-1812) લઈને જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં મહાવીરનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઊભા રહ્યા હતા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. આ બનાવના સીસીટીવીના કૂટેજ પણ વાયરલ થયા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો કારચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શૈલેષભાઈ આ અકસ્માતમાંથી માંડ-માંડ બચ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ અંગે શૈલેષભાઈએ પૂણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

