1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય
સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય

સુરતના કાપડ માર્કેટમાં હવે શ્રમિકો 65 કિલોથી વધુ વજન નહીં ઉંચકે, લેવાયો નિર્ણય

0
Social Share

સુરતઃ શહેરના કાપડ ઉદ્યોગમાં છેલ્લા એક અઠવાડિયાથી 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવા મુદ્દે વેપારીઓ અને શ્રમિકો વચ્ચે સમજૂતી બેઠકો ચાલી રહી હતી. આ વિવાદનો અંત લાવવા ફેડરેશન ઓફ સુરત ટેક્સ્ટાઇલ ટ્રેડર્સ એસોસિયેશ (ફોસ્ટા) અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનની મળેલી બેઠકમાં 55 કિલોની જગ્યાએ 65 કિલોના પાર્સલો ઊંચકવા મુદ્દે સમજૂતી થઇ છે. મજૂરો 65 કિલોના વજનના પાર્સલ ઊંચકશે તેનાથી વધુ વજનના પાર્સલ ઊંચકશે નહિ. આમ છેલ્લા ઘણા દિવસથી જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના કાપડ માર્કેટમાં શ્રમિકો કાપડની વધુ વજનવાળી ગાંસડીઓ અને પાર્સલો ઉચકતા હોય શ્રમિકો દ્વારા જ વિરોધ ઊભો થયો હતો. અને ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના દ્વારા ગત સપ્તાહમાં ટેક્સ્ટાઇલ માર્કેટમાંથી 55 કિલોથી વધુ વજન વાળા પાર્સલ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી અને તેનો અમલ 15 જાન્યુઆરીથી કરી દેવામાં આવ્યો હતો. આ અંગે ફોસ્ટા અને યુનિયનના હોદ્દેદારો વચ્ચે થયેલી બેઠકમાં સમજૂતી બાદ ફોસ્ટા દ્વારા 55 કિલોના પાર્સલની જગ્યાએ 65 કિલોના પાર્સલને સ્વીકારવાની માગ કરી હતી. જેને યુનિયનો દ્વારા સ્વીકારવામાં આવી છે. આખરે વિવાદનો અંત આવ્યો હતો.  ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કાપડનો એક તાકો 16 કિલોનો હોય છે. તે હિસાબે ચાર તાકાનું એક પાર્સલ 64થી 65 કિલોનું બને છે. જે મજૂર ઊંચકી શકે છે. એટલે  65 કિલોથી વધુ વજનના પાર્સલ વેપારી નહીં આપે અને વધુ વજનના પાર્સલ મજૂરો નહીં ઊંચકે એવી સમજૂતી થઇ હતી. મજૂર યુનિયનોએ પાર્સલનું વજન ઘટાડવા સાથે મજૂરીનો ભાવ યથાવત્ રહેશે એ શરતે સામાધાન થયું છે. યુનિયને મજૂરોના શરીર, શ્રમ મુજબ 65 કિલો સુધીના પાર્સલ બનાવવા સહમતી સાધી છે.  કાપડના વેપારીઓના કહેવા મુજબ 55 કિલોથી વધુના પાર્સલો ઊંચકવાનું બંધ કરતાં માર્કેટમાં પાર્સલના ઢગલાં થઇ ગયાં હતાં. લગ્નસરાની જૂન સુધીની સીઝનનો માલ અટકી પડતા બહારગામનો વેપાર અટકી પડે તેવી શકયતા હતી.  ઉપરાંત  સુરત મર્કેન્ટાઇલ એસોસિયેશનને પાર્સલની જવાબદારી અન્ય રાજ્યોના વેપારીઓ પર નાખી દીધી છે. અન્ય રાજ્યના વેપારીઓ ઓર્ડર આપતી વખતે તેની પાસે જ ટ્રાન્સપોર્ટરનું નામ, પાર્સલનું વજન સહિત ફોર્મમાં ભરાવી લેવામાં આવે તેવી સૂચના વેપારીઓને આપી છે. જેને પગલે આગામી દિવસોમાં વધુ એક વિવાદ ઊભો થાય તેમ છે. (file photo)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code