
નવી દિલ્હીઃ છત્તીસગઢના અંતરિયાળ વિસ્તારોમાં માઓવાદીઓનો ઉપદ્રવ વધ્યો છે. આ દરમિયાન દંતેવાડામાં માઓવાદીઓએ માલગાડીના એન્જિનમાં આગ લગાવી દીધી હોવાની ઘટના સામે આવી છે. માલગાડી બૈલાદિલાથી આયર્ન ઓર લઈને વિશાખાપટ્ટનમ તરફ જઈ રહી હતી. આ મામલો ભાંસી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાતે માલદાડી આવ્યાની જાણકારી મળતા હથિયારો સાથે માઓવાદીઓ જંગલમાંથી નીકળીને ટ્રેક ઉપર આવ્યાં હતા. તેમણે બંદૂક બતાવીને માલગાડી રોકી હતી. ત્યારબાદ પાયલટ અને અન્ય કર્મચારીને નીચે ઉતારવામાં આવ્યા હતા. તેની પાસેથી વોકી-ટોકી અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.
માલગાડીના એન્જિનમાં આગ લગાવીને માઓવાદીઓ જંગલ તરફ ગયા. આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ દંતેવાડાથી ડીઆરજીના જવાનોને ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા છે. નક્સલવાદીઓના આ કૃત્યથી કિરાંદુલ-વિશાખાપટ્ટનમ માર્ગ હજુ પણ બંધ છે. તેમજ એન્જિનને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
ભાંસીના જંગલમાં માઓવાદીઓ સરકારી મુલકતને નુકસાન પહોંચાડવા માટે હથિયારો સાથે સજ્જ હતા. આ વિસ્તાર ખૂબ જ સંવેદનશીલ છે. આથી અહીંથી જે પણ ટ્રેન પસાર થાય છે તેની સ્પીડ ઘણી ધીમી હોય છે. જેથી નક્સલવાદીઓ કોઈપણ ઘટનાને અંજામ આપે તો વધુ નુકસાન ન વેઠવું પડે. રાત્રે પણ ગુડ્સ ટ્રેનની સ્પીડ ઘણી ધીમી હતી. માલગાડીનો ડ્રાઈવર સુરક્ષિત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં આતંકવાદ અને નક્સલવાદી પ્રવૃતિઓને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. સુરક્ષા એજન્સીઓએ પણ દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અભિયાન શરૂ કર્યું છે.