- લોકોના ટોળાએ કારચાલક નિવૃત પીએસઆઈને પકડી લીધો,
- આગળ જેને ગાડી ઠોકી છે તેને 10 હજાર આપી ચૂક્યો છું તેમ કહેવા લાગ્યો,
- નિવૃત્ત અધિકારી સામે અકસ્માત અને નશો કર્યાના બે અલગ અલગ ગુના નોંધાયા
વડોદરાઃ શહેરમાં નશાની હાલતમાં વાહન ચલાવીને અકસ્માતના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં કારચાલક નિવૃત પીએસઆઈએ નશો કરેલી હાલતમાં બાઈકને અડફેટમાં લેતાં બાઈકસવાર માતા અને પુત્ર રોડ ઉપર પટકાયાં હતાં. જેમાં મહિલા સારિકાબેન સુનવાણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે લોકોનું ટોળુ એકઠું તઈ ગયુ હતુ. અને લોકો સાથે પણ કારચાલક નિવૃત પીએસઆઈએ બફાટ કરીને કહેવા લાગ્યો હતો કે, આગળ જેને ગાડી ઠોકી હતી તેને 10 હજાર આપી ચૂક્યો છું. હવે મારી પાસે પૈસા નથી કાલે આપી દઈશ. દરમિયાન આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારચાલક નિવૃત પીએસઆઈની ધરપકડ કરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરના અકોટા ગાર્ડન ચાર રસ્તા પાસેથી ફોર-વ્હીલર લઈને નવાપુરા પોલીસ મથકના નિવૃત્ત PSI ધીરજભાઈ પરમાર (રહે. ખોડિયારનગર, ગાંધીરોડ, બારડોલી, તા. બારડોલી જિ. સુરત) પસાર થઈ રહ્યા હતા. એ દરમિયાન તેમણે આગળ ચાલી રહેલા બાઈકને અડફેટમાં લેતાં માતા અને પુત્ર રોડ ઉપર પટકાયાં હતાં. આ સમય મહિલા સારિકાબેન સુનવાણીને ઈજાઓ પહોંચી હતી, જેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. આ બનાવને પગલે રાહદારીઓએ કારચાલક નિવૃત્ત પોલીસકર્મીને ઊભો રાખ્યો હતો, જોકે તેઓ નશાની હાલતમાં હોવાનું લોકોના ધ્યાને આવતાં તેમણે ઘટનાની જાણ પોલીસ મથકે કરતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. બીજી તરફ સ્થળ ઉપર હાજર લોકોએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. વીડિયોમાં પીએસઆઇ કહે છે કે ‘આગળ જેને ઠોકાયું તેને 10 હજાર રૂપિયા આપી ચૂક્યો છું, પછી કોઈને અકસ્માત કર્યો નથી. તું વીડિયો ઉતારવાનું બંધ કર. સામેવાળી વ્યક્તિ કહે છે કે તમે નશામાં લાગો છો?. હાજર પોલીસકર્મી કહે છે કે અકસ્માત કર્યો છે છતાં તમે ના પાડો છો, આ બધા ખોટું બોલે છે ? તમે નિવૃત્ત પીએસઆઇ છો તો તમને કાયદો તો ખબર હોવો જોઈએને, તો નિવૃત્ત પીએસઆઇ કહે છે કે મારી પાસે પૈસા નથી, કાલે આપી દઈશ, મારી પાસે પૈસા જ નથી તો શું કરું. મારું નામ ધીરજ પરમાર છે. હું નવાપુરા પોલીસ સ્ટેશનમાં હતો. ત્યાંથી રિટાયર્ડ થયો હતો.
સ્થાનિક પોલીસે નિવૃત્ત પોલીસકર્મી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા કેટલાક સમયથી અકોટા તથા અટલબ્રિજ પર પણ અકસ્માતો સર્જાવાની વણઝાર સર્જાઇ છે, ત્યારે નાગરિકો સામે જોખમ ઊભું થયું છે, જેથી આ પ્રકારના લોકો સામે કડક કાર્યવાહી થાય એવી લોકો માગ કરી રહ્યા છે.