Site icon Revoi.in

વડોદરામાં મહિલાએ લોહીલૂહાણ હાલતમાં હુમલાખોરને પકડીને પોલીસના હવાલે કર્યો

Social Share

વડોદરા, 1 જુન,2026 : Woman catches attacker and hands him over to police શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક કેરટેકર મહિલા પોતાના ઘર તરફ જઈ રહી હતી ત્યારે બાઈક પર આવેલા બે શખસોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. મહિલાએ લોહી લૂહાણ હાલતમાં બન્ને શખસોનો સામનો કરીને એક શખસને પકડીને બુમાબુમ કરતા અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. એક હુમલાખોર નાસી ગયો હતો જ્યારે એક હુમલાખોરને પોલીસ હવાલે કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે. કે, શહેરના ગોત્રી સોસાયટીમાં રહેતી અને કેરટેકર તરીકે કામ કરતી કવિતા નામની મહિલા ગઈકાલે રાત્રે નોકરી પરથી મેનેજર મુકેશ શાહ સાથે અલગ અલગ સ્કૂટર પર ઘર તરફ આવી રહી હતી ત્યારે બાઈક ઉપર બે શખસોએ મહિલાનો પીછો કર્યો હતો. જેથી મહિલા અને મેનેજર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાસે ઊભા રહ્યા હતા. ત્યારબાદ બંને બાઈક સવાર યુવકો નજીકના પાન પાર્લર ખાતે ઉભા રહ્યા હતા જેથી મહિલાને શંકા જતા તે મેનેજર સાથે તેમના ગંગાનગર ખાતેના ઘર તરફ જવા માટે નીકળી હતી. દરમિયાન બાઈક પર બન્ને શખસો  આવ્યા હતા અને પાર્ક થયેલી બસની પાછળ ઉભા રહ્યા હતા.  મહિલા અને મેનેજરના સ્કૂટરો નજીક આવતા જ બંને હુમલાખોર બસ પાછળથી બહાર નીકળ્યા હતા. આ પૈકી એક જણ બાઈક પર બેસી રહ્યો હતો.જ્યારે પાછળ બેઠેલા શખસે નીચે ઉતરી મહિલાને રોકી હતી અને કમરના ભાગેથી કોઈ હથિયાર કાઢી તેના માથામાં ઝીંકી દીધું હતું. મહિલા લોહીલુહાણ થઈ જતાં બંને હુમલાખોરો નાસવા લાગ્યા હતા. આથી લોહીથી લથબથ હાલતમાં મહિલાએ તરાપ મારી પાછળ બેઠેલા હુમલાખોરને પકડી લેતા બંને જણા બાઈક સાથે નીચે પટકાયા હતા.ત્યારબાદ મહિલાએ બૂમાબૂમ કરતાં બાઈક ચાલક બાઈક છોડીને ભાગી ગયો હતો. જ્યારે હુમલાખોરને મહિલાએ પકડી રાખતા લોકો દોડી આવ્યા હતા અને તેને દબોચી લીધો હતો.

આ બનાવની જાણ થતાં લક્ષ્મીપુરા પોલીસની ટીમ આવી જતા હુમલાખોરને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનું નામ તરુણ મોતીલાલ મેનરીયા (ઉ.26 વર્ષ, રહે. એન્ટીકા ગ્રીનવુડ, સેવાસી-ખાનપુર રોડ,તા.વડોદરા) હોવાનું બહાર આવ્યું છે. તેણે હુમલો કયા કારણસર કર્યો તેની તપાસ માટે પોલીસ પૂછપરછ કરી રહી છે. મહિલાએ કહ્યું હતું કે હું આ શખ્સ કે બાઈક ચાલકને ઓળખતી નથી કે મારે કોઈ દુશ્મનાવટ પણ નથી. જેથી પોલીસે વધુ તપાસ જારી રાખી છે.

Exit mobile version