
ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં તા. 9મી જુલાઈ પછી પડશે વરસાદઃ હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયાં છે. જો કે, હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ચોમાસુ ફરી સક્રિય થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત વર્તમાનમાં બનેલી હવામાન સિસ્ટમના કારણે 9 જુલાઈથી દક્ષિણ અને પૂર્વ મધ્ય ભારતમાં ચોમાસુ પોતાના તેવર બતાવશે. કર્ણાટક, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, અરૂણાચલ પ્રદેશ અને મેઘાલયમાં વરસાદ થશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર તા.10મી જુલાઈથી દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, હિમાચલ, ઉત્તરાખંડમાં હળવો વરસાદ પડશે. બંગાળની ઉત્તર – પશ્ચિમ ખાડી અને ઓરિસ્સા તેમજ પશ્ચિમ બંગાળની આસપાસ દરિયાકિનારાના વિસ્તારો પર એક ચક્રવાતી પ્રેશર બન્યું છે. જેથી 10 જુલાઈથી 12 જુલાઈ દરમિયાન દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં વરસાદ થશે. 11 અને 12 જુલાઈના જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને પંજાબમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં 09 જુલાઈથી 14 જુલાઈની વચ્ચે ભારે વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગ પ્રમાણે 15થી 22 જુલાઈની વચ્ચે દેશના મોટાભાગના ભાગોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સક્રિય રહેવાની સંભાવના છે. આનાથી ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય-પૂર્વ ભારત અને દક્ષિણ દ્વીકલ્પના મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. તેમજ મેઘરાજાને પધરામણી માટે વિનમણા કરી રહ્યાં છે. આ ઉપરાંત ખેતરમાં ઉભા પાકને બચાવવા માટે નર્મદાનું પાણી આપવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરી હતી.