પોટેશિયમ માટે ડાયટમાં સામેલ કરો આ 5 સુપરફૂડ્સ, હૃદય અને સ્નાયુઓ રહેશે મજબૂત
જ્યારે પણ પોટેશિયમયુક્ત ખોરાકની વાત આવે ત્યારે મોટાભાગના લોકોના મનમાં સૌથી પહેલું નામ ‘કેળા’નું આવે છે. નિઃશંકપણે કેળા પોટેશિયમનો સારો સ્ત્રોત છે, પરંતુ કુદરતે આપણને એવા અનેક ખાદ્યપદાર્થો આપ્યા છે જેમાં કેળા કરતા પણ વધુ અથવા તેના જેટલું જ પોટેશિયમ મળી રહે છે. પોટેશિયમ શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા, હૃદયના ધબકારા જાળવવા અને સ્નાયુઓની મજબૂતી માટે અનિવાર્ય છે. ચાલો જાણીએ એવા 5 પદાર્થો વિશે જે પોટેશિયમનો ભંડાર માનવામાં આવે છે.
શક્કરિયાઃ શિયાળામાં મળતા મીઠા અને સ્વાદિષ્ટ શક્કરિયા માત્ર સ્વાદ જ નહીં, પણ પોષણ પણ આપે છે. USDA ના ડેટા અનુસાર,100 ગ્રામ શક્કરિયામાં આશરે 475 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. આ ઉપરાંત તે વિટામિન સી અને વિટામિન એનો પણ ઉત્તમ સ્ત્રોત છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સોયાબીનઃ શાકાહારી લોકો માટે સોયાબીન પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તેમાં પોટેશિયમ પણ વિપુલ પ્રમાણમાં હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં 515 મિલિગ્રામ પોટેશિયમ અને 18.2 ગ્રામ પ્રોટીન મળી રહે છે. તે કેલ્શિયમ અને એમિનો એસિડ્સ પણ પૂરા પાડે છે, જે હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
દૂધઃ દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે. તેમાં માત્ર કેલ્શિયમ જ નહીં, પણ પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. 100 ગ્રામ દૂધમાં આશરે 150 મિલિગ્રામ પોટેશિયમ અને 3.37 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉપરાંત, દૂધમાંથી વિટામિન ડી અને બી-12 જેવા પોષક તત્વો પણ મળે છે.
જરદાળુઃ જરદાળુ એટલે કે એપ્રિકોટ પોટેશિયમનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેને તાજા ફળ તરીકે અથવા સુકા મેવા તરીકે પણ ખાઈ શકાય છે. હેલ્થ લાઇનના રિપોર્ટ મુજબ, બે તાજા જરદાળુ ખાવાથી દિવસની જરૂરિયાતના 4 ટકા પોટેશિયમ મળી રહે છે. તે બીટા કેરોટીન અને લ્યુટીનથી ભરપૂર હોવાથી આંખો માટે પણ અત્યંત ફાયદાકારક છે.
સંતરા અને દ્રાક્ષઃ સંતરાને આપણે વિટામિન સી માટે ઓળખીએ છીએ, પરંતુ તે પોટેશિયમથી પણ સભર છે. 100 ગ્રામ સંતરામાં આશરે 166 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. તેવી જ રીતે દ્રાક્ષમાં પણ પોટેશિયમ સારી માત્રામાં જોવા મળે છે. આ સાઇટ્રસ ફળો હૃદયના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે.


