Site icon Revoi.in

પોરબંદર યાર્ડમાં ભર શિયાળે કેસર કેરીની આવક, હરાજીમાં બોક્સના 10 હજાર ઉપજ્યાં

Social Share

પોરબંદરઃ કેસર કેરીનો ઉનાળામાં જ આરોગવા મળતા હોય છે, પણ પોરબંદર પંથકની કેટલીક આંબાવાડીઓમાં ભર શિયાળે આંબા પર કેરીઓ લટકતી જોવા મળી રહી છે, અને ખેડુતો દ્વારા છેલ્લા એક સપ્તાહથી કેસર કેરીઓ વેચાણ માટે લાવવામાં આવી રહી છે. સામાન્ય રીતે ઉનાળાના સમયમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે અને રૂ. 500થી 1000 સુધીના કેરીના બોકસનુ વેંચાણ થતું હોય છે. પરંતુ આજ કેસર કેરી શિયાળામાં દશ ગણા ભાવે વેંચાય છે. યાર્ડમાં કેસર કેરીનું 10 કિલોના બોક્સ 10 હજારના ભાવે વેચાયા હતા.

પોરબંદરના બરડા પંથકમાં આવેલા આંબાના બગીચામાં હાલ શિયાળાના સમયમાં કેટલાક આંબામાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. એક સપ્તાહમાં ત્રીજી વખત કેસર કેરીની આવક જોવા મળી હતી. કેસર કેરીના બે બોકસની આવક જોવા મળી હતી જેમાં એક કેરીનું બોકસ રૂ.10 હજારમાં વેંચાયું હતુ. શિયાળાના સમયમાં પોરબંદર માર્કેટીગ યાર્ડમાં કેસર કેરીની આવક જોવા મળી રહી છે. યાર્ડમાં ફળોની હરાજી કરતા કેતન રાયચુરાને ત્યાં ખંભાળાના ખેડૂત નાથભાઈ કારાભાઈ મોરી બે કેસર કેરીના બોક્સ લઈને આવ્યા હતા. જેને પગલે વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. વેપારી કેતન રાયચુરાએ તો કેસર કેરીના બોકસને અગરબત્તી કરી હતી અને પેંડા વહેંચી જય માતાજીના નાદ સાથે કેસર કેરીના બે બોક્સની હારાજી શરૂ કરી હતી. બન્ને બોકસ રૂ.10-10 હજારમાં વેંચાયા હતા જેને પગલે ખેડૂતના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંચ દિવસ પૂર્વે આવેલા કેસર કેરીના બોક્સ રૂ.8501માં વેંચાયા હતા. જ્યારે બે દિવસ પૂર્વે આવેલું કેસર કેરીનું બોક્સ રૂ.7501માં વેંચાયું હતું. જ્યારે આજે રૂ.10 હજારમાં એક બોક્સ વેચાયું હતું.

 

Exit mobile version