Site icon Revoi.in

સુરતમાં ગજેરા પરિવારના લક્ષ્મી ડાયમન્ડ ગ્રુપ પર ઈન્કમ ટેક્સના દરોડા

Social Share

સુરત, 28 જાન્યુઆરી 2026:  શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના ‘લક્ષ્મી ગ્રુપ’ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરતા હીરાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં ડાયમંડ, એજ્યુકેશન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું નામ ધરાવતા ગજેરા ગ્રુપના રાજ્યભરમાં આવેલા ઠેકાણાઓ પર 150થી વધુ અધિકારીઓની અલગ-અલગ ટીમોએ એકસાથે ત્રાટકીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉપરાંત અનિલ બગદાણા અને તેમના ભાગીદારો તરુણ ભગત તથા પ્રવિણ ભૂતના ધંધાકીય સ્થળો, રહેણાંક મકાનો અને વિવિધ પ્રોજેક્ટ્સ પર તપાસ કરાઈ રહી છે.

ઈકમ ટેક્સ દ્વારા નાણાકીય વર્ષ 2025-26નો ટાર્ગેટ પુરો કરવા માટે આર્થિક પાટનગર ગણાતા સુરત પર નજર કરી છે. શહેરના જાણીતા ઉદ્યોગપતિ ગજેરા પરિવારની માલિકીના ‘લક્ષ્મી ગ્રુપ’ પર આજે વહેલી સવારથી ઈન્કમટેક્સના અધિકારીઓએ સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન માટે છેલ્લા ઘણા દિવસોથી ગુપ્ત રીતે તૈયારીઓ ચાલી રહી હતી અને વહેલી સવારે જ ટીમો નિર્ધારિત સ્થળો પર પહોંચી ગઈ હતી. તપાસનો મુખ્ય કેન્દ્રબિંદુ લક્ષ્મી ગ્રુપના રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા તમામ વ્યવહારો છે. આવકવેરા વિભાગની ડીડીઆઈ (DDI) વિંગ પાસે આ ગ્રુપના રિયલ એસ્ટેટ સોદાઓ અંગે અગાઉથી જ ચોક્કસ બાતમી અને માહિતી ઉપલબ્ધ હતી, જેના આધારે હાલમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે

ગજેરા પરિવારના મુખ્ય ભાગીદારો વસંત ગજેરા, ચિનુ ગજેરા અને ધીરુ ગજેરા સહિત પરિવારના તમામ સભ્યોની પૂછપરછ અને તેમના આર્થિક વ્યવહારોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આઇટી વિભાગ દ્વારા લેટેસ્ટ ‘હવાલા નેટવર્ક’ના જોડાણો અંગે પણ તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે  આ દરોડામાં રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ગજેરા પરિવારના ધીરુ ગજેરા પોતાના રાજકીય પ્રવાહો માટે જાણીતા છે. અગાઉ ભાજપમાં રહ્યા બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા અને ફરી પાછા ભાજપમાં પરત ફર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી તેઓ સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને કામગીરી વિરુદ્ધ આડકતરી રીતે ટીકા કરી રહ્યા હતા.

Exit mobile version