1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ
ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ

ગીરમાં વનરાજોની વસતીમાં થયો વધારો, સિંહોની વસતી વધીને 1200 થઈ હોવાનો અંદાજ

0
Social Share

અમદાવાદ: ગુજરાતમાં વન વિભાગના અથાગ પ્રયાસોને લીધે એશિયાટિક સિંહની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.  વન વિભાગે અનુભવના આધારે કરેલા  અનુમાન મુજબ સિંહોની વસતી 1200 ને વટાવી ગઈ છે. જોકે, આ આંકડો સત્તાવાર નથી. 2022નો સત્તાવાર આંકડો 760 છે પરંતુ વનરક્ષકોનું કહેવું છે કે, અસલ આંકડો આનાથી વધારે હોઈ શકે છે કારણકે છેલ્લા એક વર્ષમાં સિંહો તેમની હદ વિસ્તારી ચૂક્યા છે. ગીરના જંગલમાં સિંહની વસતીમાં વધારો થતાં હવે સિંહોએ રેવન્યું વિસ્તારોમાં પણ વસવાટ શરૂ કર્યો છે. ત્યારે વન વિભાગે સિંહોને પુરતો શિકાર મળી રહે અને વાતાવરણ માફક આવે એવા વિસ્તારની શોધ આદરી છે, જેમાં પોરબંદરનો બરડા ડુંગરનો જંગલ વિસ્તાર તેમજ નર્મદા નજીક કેવડિયા નજીકનો વિસ્તાર સિંહો માટે અનુકૂળ આવે છે. કે, કેમ તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના વન વિભાગના અધિકારીઓએ ગીરના જંગલ વિસ્તાર અને તેની આજુબાજુના વિસ્તારોમાં કરેલા આંકલન મુજબ સિહોની વસતી 1200ને વટાવી ગઈ છે. 2022ની ગણતરીના આંકડાની સત્તાવાર જાહેરાત હજી બાકી છે પરંતુ તેના પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, ગ્રેટર ગીર વિસ્તારમાં સિંહોની વસ્તીમાં વૃદ્ધિ થઈ છે. વન વિભાગના અધિકારીઓના કહેવા અનુસાર, દર મહિને પૂનમે અવલોકન કરવામાં આવે છે એટલે કે પૂનમે સિંહોની વસ્તી ગણવામાં આવે છે. મે મહિનાની પૂનમે બે વખત વસ્તી ગણવામાં આવી હતી. આ ડ્રાઈવનું નામ પૂનમ અવલોકન રાખવામાં આવ્યું હતું. પરંતુ સિંહોની સંખ્યા રાત અને દિવસ એમ બંને સમયે ગણવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, ઝીણવટપૂર્વક સિંહોની ગણતરી કરીએ એટલે તેમના સ્વાસ્થ્ય અંગેની પણ જાણકારી મળી જાય અને જો કોઈ મૃત્યુ થયા હોય તો તેની પણ વિગત સામે આવી જાય. 2020માં સિંહોની સત્તાવાર જાહેર થયેલી સંખ્યા 674 હતી. જે દર્શાવે છે કે 2015 કરતાં 151 સિંહ વધ્યા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સિંહનો બિનસત્તાવાર અંદાજિત આંકડો 1200ની આસપાસ પહોંચી ગયો છે. ગીર, ગિરનાર, મિતિયાણા અને પાણીયા જેવા અભયારણ્ય વિસ્તારોમાં સિંહની વસ્તી છે. 2022માં આ વિસ્તારોમાં સિંહની સંખ્યા 365 જેટલી નોંધાઈ છે એટલે કે 2020ની સરખામણીએ 9 સિંહ વધ્યા છે. અધિકારીનું કહેવું છે કે, સિંહની વધતી સંખ્યા મોટાભાગે ગ્રેટર ગીર વિસ્તારમાં જોવા મળી છે. સિંહોના ટોળા છૂટા પડીને અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે અને તેમની હદ વિસ્તારી રહ્યા છે સાથે જ આ રેન્જમાં તેમની સંખ્યા પણ વધી રહી છે,   દરિયાકાંઠાના વિસ્તારોમાં સિંહની વસ્તીમાં 38 ટકાનો વધારો નોંધાયો છે. 2020માં દરિયાકાંઠાના વિસ્તારોમાં 110 સિંહ હતા અને 2022માં આ સંખ્યા વધીને 150 થઈ છે, ઉપરાંત ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના દરિયાઈ વિસ્તારોમાં આ વૃદ્ધિ જોવા મળી છે. સૂત્રાપાડા, કોડીનાર, ઉના અને વેરાવળનો પટ્ટો તેમજ રાજુલા, જાફરાબાદ અને નાગશ્રી એમ બંને પટ્ટામાં સિંહોની સંખ્યા વધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code