Site icon Revoi.in

કોથમીર, આદુ અને લસણના ભાવમાં વધારો, શાકભાજીના ભાવમાં પણ થતી વધઘટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જોકે રોજ શાકભાજીના ભાવમાં ચડ-ઉતર જોવા મળી રહી છે. શનિવારે માર્કેટમાં શાકભાજીના ભાવ સામાન્ય રહ્યા હતા. વરસાદ પહેલા જે ભાવ હતા તે જ ભાવ આમ તો બજારમાં જોવા મળી રહ્યા છે. જો કે, કેટલાક શાકભાજીમાં વધ- ઘટ પણ છે. જ્યારે રૂ.10થી લઈને રૂપિયા 30 સુધીનો વધારો પણ નોંધાયો છે. જ્યારે આદુ, લસણ, કોથમીર, લીંબુના ભાવમાં તોતિંગ વધારો થયો છે.

ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. જેમાં કોથમીર રૂ.300, આદુ રૂ.180 અને લસણનો કિલોનો ભાવ રૂ.400 સુધી પહોંચી ગયો છે. એક સમય હતો કે, જ્યારે શાકભાજી સાથે કોથમીર અને આદુ મફતમાં મળતું હતું. એ અત્યારે લીલાશાક કરતા મોંઘું થયું છે.

એપીએમસીના શાકભાજીના વેપારીના કહેવા મુજબ યાર્ડમાં કોથમીર, લસણ, લીંબુ, હળદર અને આદુની આવકમાં ઘટાડો થયો છે. જેના કારણે હોલસેલ બજારમાં કોથમીરનો પ્રતિ કિલોનો ભાવ રૂ.240 અને લસણનો રૂ.320 બોલાયો છે. જેની સામે છૂટક બજારમાં કોથમીર રૂ. 300 અને લસણ રૂ. 400 પ્રતિ કિલોએ વેચાઈ રહ્યું છે. જ્યારે વરસાદમાં લીંબુ જલ્દી ખરાબ થઇ જતા હોવાથી છૂટક બજારમાં લીંબુના ભાવ રૂ.120થી 150 પ્રતિ કિલો થઇ ગયા છે. આ જ પ્રમાણે આદુ અને હળદર પણ છૂટક બજારમાં પ્રતિકિલો રૂ. 120થી 160માં વેચાય છે. આવી રીતે હોલસેલ બજારમાં ટીડોળા રૂ. 130, ચોળી રૂ. 130, વટાણા રૂ.180, તુવેર રૂ. 120 અને વાલોળ રૂ. 110 ચાલી રહ્યાં છે. વેપારીઓનું કહેવું છે કે, આ શાકભાજીની હાલમાં સિઝન ન હોવાથી આવક ઓછી થઈ છે, જ્યારે બીજી બાજુ ઘણા બધા શાક વરસાદમાં જલ્દી ખરાબ થઈ જતાં હોવાથી ભાવમાં વધારો થયો છે.

હાલ વરસાદી સીઝનમાં લીલા શાકભાજીના આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. જેમાં લીંબુની કિંમત પણ કિલોના રૂ.100થી વધીને 150થી 200એ પહોંચી છે. જ્યારે છૂટક માર્કેટમાં પ્રતિકિલો  લસણના ભાવ  380થી 400 , કોથમીરના ભાવ  290થી 300 , લીંબુના ભાવ 150થી 200, અને આદુના ભાવ 150થી 180, અને હળદરના ભાવ 150થી 180ના બોલાયા છે.