રિટેલ મોંઘવારી દરમાં વધારો, ગૃહિણીઓના બજેટને અસર
નવી દિલ્હી, 12 મે 2026: ભારતમાં સામાન્ય માણસની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન સરકાર દ્વારા જાહેર કરવામાં આંકડા અનુસાર, એપ્રિલ મહિનામાં રિટેલ મોંઘવારી દરમાં સામાન્ય વધારો થયો છે અને તે વધીને 3.48 ટકા ઉપર પહોંચ્યો છે. ગયા મહિને આ આંકડો 3.4 ટકા હતો. આ વધારા પાછળનું મુખ્ય કારણ ખાવા-પીવાની વસ્તુઓ અને દરરોજ ઉપયોગમાં લેવાતા ખાદ્યપદાર્થોની કિંમતમાં આવેલો ઉઠાળો છે. જો કે, અર્થ વ્યવસ્થા માટે રાહતની વાત એ છે કે, સમગ્ર મોંઘવારી દર અત્યારે પણ આરબીઆઈના ચાર ટકા લક્ષ્યાંકથી ખુબ નીચે છે.
આ આર્થિક ડેટાના ઊંડાણપૂર્વકના વિશ્લેષણથી જાણવા મળે છે કે લોકોના રસોડાના બજેટ પર નોંધપાત્ર અસર પડી છે. ખાદ્ય ફુગાવો માર્ચમાં 3.87 ટકાથી વધીને એપ્રિલમાં 4.20 ટકા થયો છે. ગ્રામીણ ખાદ્ય ફુગાવો શહેરી વિસ્તારો કરતાં વધુ ઝડપથી વધ્યો છે. ટામેટાની કિંમતમાં વાર્ષિક ધોરણે 35.28 ટકાનો વધારો થયો છે. બીજી તરફ ડુંગળી અને બટાટાની કિંમતમાં ઘટાડો થયો છે. જેથી વપરાશકારોને અશંતઃ રાહત મળી છે.
મોંઘવારીની અસર માત્ર રાશન સુધી મર્યાદિત નથી. એપ્રિલ મહિનામાં સૌથી વધારે મોંઘવારી પર્સનલ કેર અને વિવિધ વસ્તુઓની શ્રેણીમાં જોવા મળ્યો છે. જેમાં 17.66 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. તેનાથી વિપરીત ઈંધણ સાથે જોડાયેલી કિંમતમાં નરમીને કારણે ટ્રાન્સપોર્ટથી જોડાયેલી મોંધવારીનો દર સપાટ રહ્યો છે. જેથી માલની હેરાફેરી અને યાત્રાના ભાડામાં કોઈ વિશેષ વધારો થયો નથી. ભારતે 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2031 સુધી પાંચ વર્ષ માટે રિટેલ મોંઘવારી દરનો લક્ષ્યાંક 4 ટકા જેટલો રાખ્યો છે.


