વડોદરા, 29 માર્ચ 2026: Digital lounge operational શહેરના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે અદ્યત્તન ડિજિટલ લોન્જ કાર્યરત કરવામાં આવી છે. યાત્રીઓને રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી આધુનિક અને આરામદાયક સુવિધાઓ મળશે. લોન્જનું ઉદ્ઘાટન સાંસદ ડૉ. હેમાંગ જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડિજિટલ લોન્જમાં એકસાથે 25થી વધુ યાત્રીઓ બેસી શકે તેવી સુવિધા ઉપલબ્ધ છે.
ભારતીય રેલવેના ડિજિટલ લોન્જનો કોન્સેપ્ટ પહેલાં બોર્ડમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળ્યા પછી આ સુવિધા શરૂ કરવામાં આવી છે. લોન્જના લોકાર્પણના કાર્યક્રમમાં વડોદરા રેલવે મંડળના ડી. આર. એમ રાજુ ભડકે, સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય કેયુર રોકડિયા અને રેલવેના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતાં.
વડોદરાના રેલવે સ્ટેશન પર કાર્યરત કરાયેલા આ એસી લોન્જમાં પ્રવાસીઓને માત્ર રૂ. 200 પ્રતિ કલાકના ચાર્જમાં ફ્રી વાઇફાઇ, ચા- કોફી, બેસવા માટે સોફા, ટીવી સહિતની સુવિધા મળી શકશે. આ ઉપરાંત રાત્રિ દરમિયાન કોઈ પ્રવાસીને આરામ કરવો હોય તો રૂ. 700માં બે કલાક માટે આરામદાયક બેડ, વેલકમ ડ્રીંક, પાણીની બોટલ સહિતની સુવિધા મળી શકશે. અહીં લોકર સિસ્ટમ પણ ઉપલબ્ધ છે એટલે કે કોઈ પ્રવાસીએ અહીં સામાન મૂકી કોઈ કામ અર્થે જવું હોય તો તે જઈ શકે છે અને ડિજિટલ લોકરનો રૂ. 100 પ્રતિ કલાક ચાર્જ આપી પોતાનો કિંમતી સમાન મૂકી શકે છે.

