1. Home
  2. ગુજરાતી
  3. યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન
યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન

યુદ્ધ વચ્ચે ભારત શાંતિ સ્થાપવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે: ઈરાન

0
Social Share

નવી દિલ્હી, 6 એપ્રિલ 2026: ઈરાનના સર્વોચ્ચ નેતાના ભારતમાં પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ વિશ્વમાં શાંતિની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, વર્તમાન સંઘર્ષને રોકવા માટે ભારતની કૂટનીતિ અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. તેમણે ભારતીય વિદેશ નીતિની પ્રશંસા કરતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ભારત એક પ્રભાવશાળી મધ્યસ્થી બની શકે છે.

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન વિરુદ્ધ છેડવામાં આવેલા યુદ્ધને ભારે મોટી ભૂલ ગણાવતા ડો. ઈલાહીએ કહ્યું, “શરૂઆતથી જ આ એક ગંભીર ભૂલ હતી. આ માત્ર ઈરાન સામેનું યુદ્ધ નથી, પરંતુ તમામ મનુષ્યો અને સમગ્ર વિશ્વ વિરુદ્ધનું યુદ્ધ છે. આ યુદ્ધના પરિણામે આજે અનેક દેશોના નિર્દોષ લોકો પીડાઈ રહ્યા છે.”

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને આપવામાં આવેલી ધમકીઓ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, “કોઈપણ વ્યક્તિ જે ભાષા વાપરે છે તે તેના વ્યક્તિત્વ, માનવતા અને નૈતિકતાનું પ્રતિબિંબ હોય છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર વ્યક્તિ પોતાના જ વ્યક્તિત્વનો પરિચય આપે છે. ખુદ અમેરિકાના અનેક સાંસદોએ પણ આવી ઉગ્ર ભાષાનો વિરોધ કર્યો છે.” રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર ઈરાનને અલ્ટીમેટમ આપતા લખ્યું હતું કે, જો ઈરાન રસ્તો નહીં ખોલે તો અમેરિકા તેના ઉર્જા પ્લાન્ટ્સ, પુલ અને અન્ય પાયાની માળખાગત સુવિધાઓને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે.

ડો. ઈલાહીએ ઉમેર્યું કે, ઈરાન યુદ્ધની અસર હવે સામાન્ય લોકો પર પડી રહી છે. તેલના ભાવમાં વધારો અને માલસામાનની હેરફેરના ખર્ચમાં વૃદ્ધિ થવાથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે. તેમણે વિશ્વના નેતાઓને અપીલ કરી હતી કે, તમામ દેશોએ સાથે મળીને રાષ્ટ્રપતિ ટ્રમ્પને આ યુદ્ધ રોકવા માટે આગ્રહ કરવો જોઈએ. આ દિશામાં ભારતની સક્રિય કૂટનીતિ એક નિર્ણાયક વળાંક લાવી શકે છે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ બિહારના નાલંદામાં એનઆઈએના 10 સ્થળોએ દરોડા, હથિયાર તસ્કરીનો પર્દાફાશ

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code