
ભારતે ચાઈના એપ. પર પ્રતિબંધ મુકતા ઓનલાઈન MBBSનો અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને મુશ્કેલી
અમદાવાદઃ ભારત સરકાર દ્વારા કેટલીક ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મુકાયા બાદ ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો છે. ઓનલાઈન અભ્યાસમાં મુખ્ય ભૂમિકા ભજવતી એપ્લિકેશન પર જ પ્રતિબંધ મૂકી દેવાતા અભ્યાસ કેમ કરવો એ એક પ્રશ્ન બની ગયો છે. જેના નિરાકરણ માટે ચીનની વિવિધ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સરકારને મદદ માટે અપીલ કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ આવ્યા બાદ એ જ એપ્સને ડાઉનલોડ કરો એવું ચાઇનાની કેટલીક મેડિકલ કોલેજો જણાવી રહી છે અને એજ એપ્સ થકી તમને મળશે ઓનલાઈન શિક્ષણ એવું કહેવામાં આવી રહ્યું છે. જેને લઈને ભારતના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મૂકાયા છે. ચાઇનામાં આવેલી વિવિધ ચાઇનીઝ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા ભારતના 20,000 તબીબી વિદ્યાર્થીઓ છે. જેમાં અંદાજે ગુજરાતના 5 હજાર વિદ્યાર્થીઓ છે અને સુરતના 1500થી 2 હજાર વિદ્યાર્થીઓ ચાઇનાની યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ઓનલાઈન અભ્યાસ પર ખરાબ અસર થઈ છે. ભારતે લગભગ 250 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. વિદ્યાર્થીઓનો દાવો છે કે યુનિવર્સિટીઓ તેમના અભ્યાસક્રમો ચાલુ રાખવા માટે પ્રતિબંધિત મોબાઇલ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે દબાણ કરે છે. ચીનની મોટાભાગની યુનિવર્સિટીઓ વેચેટ, ડિંગટાલક, સુપરસ્ટાર જેવી એપ્સ અને ટેન્સન્ટ દ્વારા વીડિયો ચેટ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહી છે. આ મુદ્દે સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વડાપ્રધાન સહિત અનેક જગ્યા પર રજૂઆત કરવામાં આવી છે.