
ભારતઃ DGCAએ 2022માં રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ જાહેર કર્યાં
નવી દિલ્હીઃ હાલમાં દેશમાં 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (એફટીઓ) 57 બેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (સીપીએલ) જાહેર કર્યા હતા. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ (ડો) વી કે સિંહ (નિવૃત્ત)એ રાજ્યસભામાં જણાવ્યું હતું.
રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાયલોટ તાલીમ શાળાઓ વધારવા માટે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. વર્ષ 2020માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉદાર એફટીઓ માર્ગદર્શિકાને મંજૂરી આપી હતી, જેમાં એરપોર્ટ રોયલ્ટી (એએઆઈને એફટીઓ દ્વારા આવકનાં હિસ્સાની ચુકવણી)ની વિભાવના નાબૂદ કરવામાં આવી છે અને જમીનનાં ભાડાંને નોંધપાત્ર રીતે તર્કસંગત બનાવવામાં આવ્યાં છે. સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, 2021માં, એએઆઈએ બેલાગવી (કર્ણાટક), જલગાંવ (મહારાષ્ટ્ર), કલબુર્ગી (કર્ણાટક), ખજુરાહો (મધ્યપ્રદેશ) અને લીલાબારી (આસામ) ખાતેના પાંચ એરપોર્ટ પર નવ એફટીઓ સ્લોટ આપ્યા હતા. હાલમાં, આમાંથી છ એફટીઓ સ્લોટ કાર્યરત છે: જલગાંવ, લીલાબારી, ખજુરાહો, બેલાગવી ખાતે એક-એક અને કલબુર્ગી ખાતે બે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જૂન 2022માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, એએઆઈ દ્વારા પાંચ એરપોર્ટ પર વધુ છ એફટીઓ સ્લોટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર (ગુજરાત), હુબલી (કર્ણાટક), કડપ્પા (આંધ્રપ્રદેશ), કિશનગઢ (રાજસ્થાન) અને સાલેમ (તમિલનાડુ)નો સમાવેશ થાય છે. હાલમાં સાલેમ (તમિલનાડુ)માં એક એફટીઓ સ્લોટ કાર્યરત છે. ડીજીસીએએ એફટીઓ ખાતે ઉડ્ડયન કામગીરીને અધિકૃત કરવાના અધિકાર સાથે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સને સશક્ત બનાવવા માટે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ દરેક એફટીઓ પર ઉડાનના કલાકો અને વિમાનના ઉપયોગમાં વધારો કરવામાં મદદ કરશે અને સીપીએલ આવશ્યકતાઓને ઝડપથી પૂર્ણ કરવામાં દોરી જશે.